અમદાવાદ, તા. 24 (અમારા પ્રતિનિધિ તરફથી) : મુખ્યમંત્રી
ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વનું ગુજરાત ડેલીગેશન યુ.એસ. પ્રવાસ પૂર્ણ કરીને રવિવારે કેનેડા
પહોંચ્યું છે. ટોરેન્ટો એરપોર્ટ પહોંચેલા મુખ્યમંત્રીનું પરંપરાગત સ્વાગત ગુજરાતી સમુદાયોના
અગ્રણીઓ અને કોન્સ્યુલેટ જનરલ ઓફ ઈન્ડિયા દ્વારા થયું હતું. આ તબક્કે, મુખ્યમંત્રીએ કેનેડાના અર્થતંત્રમાં મળી રહેલા
ગુજરાતીઓના મજબૂત સહયોગ અને સહકારની પ્રશંસા કરીને અભિનંદન સાથે આગામી વાયબ્રન્ટ સમિટ
2027માં કેનેડાના ગુજરાતી સમુદાયોને
જોડાવા આમંત્રણ પાઠવ્યું હતું અને કહ્યું હતું કે, કેનેડાના ગુજરાતી ઉદ્યોગ સાહસિકોએ
જન્મભૂમિ પ્રત્યેનું ઋણ અદા કરવા ગુજરાતમાં પણ રોકાણો માટે આવવું જોઈએ. મુખ્યમંત્રી અને ગુજરાત પ્રતિનિધિ મંડળના સ્વાગત
માટે ફ્રેન્ડ્સ ઓફ ગુજરાત-કેનેડાએ સત્કાર સમારોહનું આયોજન કર્યું હતું. જ્યાં તેમણે
જણાવ્યું હતું કે, જ્યાં પણ વસ્યા હોય ત્યાં ગુજરાતનો માહોલ ઊભો
કરી શકે તે ગુજરાતીની આગવી ઓળખ છે. ગુજરાતની ભૂતકાળની સ્થિતિ અને હાલ દેશના ગ્રોથ એન્જિન
તરીકેની ઓળખ બેયની વિષદ છણાવટ કરતાં કહ્યું હતું કે, 1960માં મહારાષ્ટ્રથી અલગ રાજ્ય
તરીકે ગુજરાત જુદું પડ્યું ત્યારે રોડ-રસ્તા, ગામડાઓમાં વીજળી, પાણી જેવી પાયાની સુવિધાઓ પણ પૂરતી
ન હતી. ગુજરાત એ પરિસ્થિતિમાંથી બહાર આવીને દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે. દરેક ગુજરાતી
ગૌરવ લઈ શકે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ ગુજરાતની ધરતીના એવા પુત્ર છે કે વડાપ્રધાન તરીકે
જે જે દેશમાં ગયા ત્યાં તેમને સર્વોચ્ચ સન્માનથી સન્માનવામાં આવ્યા છે.