• મંગળવાર, 25 ઑગસ્ટ, 2026

મંગલમ-સંસ્કારનગર વિસ્તારમાં દબાણહટાવ ઝુંબેશ ક્યારે ?

ભુજ, તા. 24 : શહેરમાં નગરપાલિકાએ વિવિધ માર્ગો પર નોટિસો ફટકારી આજે દબાણહટાવની કામગીરીએ આદરી છે ત્યારે સંસ્કારનગર, મંગલમ ચાર રસ્તાના માર્ગો પર આવી ઝુંબેશ ક્યારે થશે તેવો સવાલ લોકો ઉઠાવી રહ્યા છે. દબાણને પગલે માર્ગ નાનો થઇ જતાં ગઇકાલે વૃદ્ધ દંપતિનો અકસ્માત થતાં સ્થાનિકોમાં રોષ વ્યાપ્યો છે. તંત્રની ઢીલી નીતિના પગલે ભુજના તમામ જાહેર માર્ગો અને ફૂટપાથ પર લારી-ગલ્લાવાળા-ઓએ કબજો જમાવતાં લોકોને ટ્રાફિકની સમસ્યા સાથે જીવના જોખમે માર્ગો પર ચાલવું પડતું હતું. હવે જ્યારે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ આવા દબાણો હટાવવા તંત્ર સક્રિય બન્યું છે ત્યારે મંગલમ ચાર રસ્તા તરફના માર્ગો ક્યારે ખુલ્લા થશે તેવો સવાલ રહેવાસીઓ અને રાહદારીઓ ઉઠાવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગઇકાલે સાંજે સાતેક વાગ્યાના અરસામાં શિવકૃપા નગરમાં રહેતા વડીલ નાનાલાલ સોની અને તેમના પત્ની નયનાબેન મોટરસાઇકલ નં. જી.જે. 12-એચ.સી. 7395વાળી લઇને મંગલમ ચાર રસ્તાના માર્ગેથી પસાર થઇ રહ્યા હતા ત્યારે આઇ-20 કાર નં. જી.જે. 12-સી.જી. 4812વાળીએ પાછળથી ટક્કર મારતાં બંને ગંભીર રીતે ઘાયલ થતાં 108 મારફત સારવાર અર્થે જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાયા બાદ વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયા હતા જ્યાં બંનેને અસ્થિભંગની ઇજાઓ થયાની વિગતો સાથે ફરિયાદ તેમના પુત્ર બ્રિજેશભાઇએ એ-ડિવિઝન પોલીસ મથકે નોંધાવી છે. ગઇકાલે આ અકસ્માત થતાં લોતકો એકત્ર થયા હતા અને એમ્બ્યુલન્સને બોલાવી હતી. આ માર્ગ પરના દબાણોને લઇને રોષ ઠાલવ્યો હતો. જ્યારે ભુજમાં વિવિધ માર્ગો પર દબાણ હટે છે ત્યારે અહીં કેમ નહીં ? વ્હાલા દવલાની નીતિ અપનાવાતી હોવાના આણેપોએ થયા હતા.

Panchang

dd