• મંગળવાર, 25 ઑગસ્ટ, 2026

ગરીબોની કસ્તૂરી પણ મોંઘી બની

નવી દિલ્હી, તા. 24 : ખાંડ બાદ હવે ડુંગળીની વધતી કિંમતે ગૃહિણીઓનું બજેટ ખોરવી નાખ્યું છે. દેશમાં ડુંગળીનો ભાવ 42 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયો છે, જે ગયાં વર્ષના ભાવ કરતાં અંદાજે 45 ટકા વધુ છે. કેટલાક શહેરમાં તેના કરતાં પણ વધારે ભાવ છે. એવામાં કેન્દ્ર સરકારે બફર સ્ટોક માર્કેટમાં ઉતારવાનું નક્કી કર્યું છે. સરકાર સોમવારે નાસિકથી દિલ્હી, ચેન્નાઈ, કોચી અને ગુવાહાટી માટે `કાંદા એક્સપ્રેસ' ચલાવશે. આ શહેરોમાં ડુંગળીનો ભાવ ખૂબ જ વધારે છે. સરકાર જરૂરી ડુંગળી પહોંચાડીને કિંમતો પર લગામ રાખવાનો પ્રયત્ન કરે છે. ગ્રાહક મંત્રાલય વિભાગના આંકડા પ્રમાણે, દિલ્હીમાં શનિવારે ડુંગળીનો ભાવ 65 રૂપિયા પ્રતિ કિલો રહ્યો છે. એક વર્ષ પહેલાં આ જ સમયે ડુંગળી 35 રૂપિયા કિલોના ભાવે વેચાતી હતી. એટલે કે દિલ્હીમાં લગભગ ડબલ ભાવ થઈ ગયો છે. ચેન્નાઈમાં પણ ભાવ 58 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચ્યો છે, જ્યારે ગયાં વર્ષે અહીં 33 રૂપિયા કિલો ભાવ હતો. કેરળ અને આસામના કેટલાક વિસ્તારમાં પણ ડુંગળીનો ભાવ આસમાને પહોંચ્યો છે. સરકારી અધિકારીઓનું કહેવું છે કે, બફર સ્ટોકમાંથી ડુંગળીનું વેચાણ મોટાં પ્રમાણમાં નહીં કરવામાં આવે. બજારની સ્થિતિ જોઈને તબક્કાવાર રીતે સપ્લાય વધારવામાં આવશે. સરકારને આશંકા છે કે, કેટલાક વેપારીઓ જાણીજોઈને કૃત્રિમ રીતે ભાવ વધારવાની કોશિશ કરી રહ્યા છે. ડુંગળીની કિંમતોમાં વધારાનું એક મુખ્ય કારણ એ છે કે, મહારાષ્ટ્રમાં ખરીફ ડુંગળીનાં ઉત્પાદનમાં મોટો ઘટાડો થયો છે.

Panchang

dd