ગાંધીધામ, તા. 24 : શહેરના ગોપાલપુરી કોલોનીના
ગેટથી લીલાશાહ સર્કલ, ઓસ્લો થઈને
સર્વોદય ક્રિકેટ ગ્રાઉન્ડ સુધીનો ગૌરવ પથ માર્ગ 20 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવાનો
છે. આ કામમાં વરસાદી પાણીના નિકાલ વ્યવસ્થા
ઊભી કર્યા વગર જ ડામર પાથરવાનું શરૂ કરાતાં અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. ઇજનેરી સૂત્રોનું
માનીયે, તો અહીં પીજીવીસીએલના વીજપોલ નડતરરૂપ છે,
પરંતુ આ તંત્રનું બહાનું છે. જો પીજીવીસીએલ રેડક્રોસથી લઈને ઓસલો સુધી
તેના વીજપોલ હટાવી દેતું હોય, તો ગોપાલપુરીથી રેડક્રોસ સુધીમાં
પીજીવીસીએલને પોલ હટાવવામાં કોઈ સમસ્યા નથી, પરંતુ અહીં ખરેખર
યોગ્ય આયોજનનો અભાવ છે અને દોષનો ટોપલો પીજીવીસીએલ ઉપર ઢોળવાનો ગંભીર પ્રયાસ થઈ રહ્યો
હોવાનું જાણકારો કરી રહ્યા છે. ખરેખર ગોપાલપુરીથી રોડ શરૂ થાય છે, ક્યાં 24 ફૂટની જગ્યા
છે, આખા રોડમાં 1200 એમએમ ડાયાના પાઇપ નાખીને પાણી
નિકાલની વ્યવસ્થા કરવાની છે. હવે 24 ફૂટની જગ્યામાં પાઇપ નાખે,
તો રોડને પૂર્તિ જગ્યા મળતી નથી. આ આયોજન બનાવતા પહેલાં વિચારવાનું હતું,
પરંતુ ઇજનેરોએ આ દિશામાં વિચાર્યું નથી. પાણી નિકાલ વ્યવસ્થાના અભાવે
કરોડો રૂપિયાનો રોડ બરબાદ થાય તેવી સ્થિતિ ઊભી થઈ છે. હજુ પણ વહીવટી તંત્ર રોડની સમાંતર
આરસીસી વરસાદી નાળું બનાવીને વ્યવસ્થા ઊભી કરી શકે તેમ છે, તો
પૂરતા રોડની જગ્યા સાથે પાણી નિકાલની વ્યવસ્થા પણ ઊભી થઈ શકે તેમ છે. પરંતુ હાલના સમયે
અચાનક ઇજનેરી વિભાગને તાત્કાલિક તમામ રોડનાં કામો પૂરા કરવાનું સુરાતન ચડયું છે. લાંબો
સમય વીતી ગયો ત્યાં સુધી આ ઇજનેરો શુ કરતા હતા તે સહિતના સવાલો ઊભા થયા છે. પીએમસી
અને કોન્ટ્રાક્ટરો સાથેની મિલીભગતમાં લોકસુવિધા બાજુએ રાખીને અને લોકો માટે સમસ્યા
વધારવામાં આવી રહી છે. પાણી નિકાલની વ્યવસ્થા નહીં થાય, તો આગામી
ચોમાસાંમાં ગંભીર સમસ્યા ઊભી થવાની ભીતિ છે. આ 20 કરોડના રોડનું કામ ચર્ચાનો
વિષય છે. કામની ગુણવત્તા સાથે બાંધછોડ થતા હોવાના આક્ષેપો છે, મહાપાલિકા પ્રસાશન દ્વારા કોઈ પગલાં ભરવામાં
આવતાં ન હોવાથી ગૌરવ પથ રોડનું ગૌરવ હણાઇ રહ્યું
હોવાના ગંભીર આક્ષેપો શહેરના જાગૃત નાગરિકો કરી રહ્યા છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન
તેજસ શેઠનો સંપર્ક સાધતા તેમણે પાણી નિકાલની કામગીરી માટે સૂચના અપાઈ હોવાનું જણાવ્યું
હતું.
ટેન્ડરની શરતો મુજબ કામ થાય તે જરૂરી
ગોપાલપુરીથી સર્વોદય ક્રિકેટ ગ્રાઉન્ડ સુધીના 20 કરોડના માર્ગમાં ટેન્ડરની શરતો
મુજબ કામ થાય તેવી માંગ લોકો કરી રહ્યા છે. અહીં વરસાદી નાળાં માટેના પાઇપ નાખવાના
છે. જૂનું નાળું ખોલાવવાના બદલે કોન્ટ્રાક્ટર પાસે ટેન્ડરની શરત મુજબ નવું નાળું બનાવવામાં
આવે અને પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા ઊભી કરાય તેવી માંગ શહેરના જાગૃત નાગરિકો કરી
રહ્યા છે.
દબાણો હટાવ્યા વગર કામગીરી
ગોપાલપુરીથી રેડક્રોસ સુધીના માર્ગ ઉપર અનેક દબાણો છે તેને હટાવ્યા
વગર જ માર્ગની કામગીરી થતાં વહીવટી તંત્ર ઉપર સવાલો ઊભા થઈ રહ્યા છે. તત્કાલીન કમિશનર
મનીષ ગુરુવાણીએ દબાણ દૂર કરીને વિકાસની નેમ રાખી હતી તેની ઉપર હાલના અધિકારીઓ અને આઉટસોર્સના
ઈજનેરો પાણી ફેરવી રહ્યા છે. દબાણો હટાવીને જ રોડની કામગીરી કરવામાં આવે, તેવી માંગ લોકો કરી રહ્યા છે.