• મંગળવાર, 25 ઑગસ્ટ, 2026

ભારત ચોથી સૌથી શક્તિશાળી સેના

નવી દિલ્હી, તા. 24 : કોઈ પણ દેશનો વૈશ્વિક સ્તરે પ્રભાવ માત્ર તેની આર્થિક સ્થિતિથી નક્કી થતો નથી, પરંતુ દેશની સેના તેનું સાચું સામર્થ્ય અને સુરક્ષાનું પ્રતીક હોય છે. મજબૂત સેના દેશને વધુ સશક્ત બનાવે છે. આંતરરાષ્ટ્રીય સંસ્થા `ગ્લોબલ ફાયરપાવર'ના તાજેતરનાં રેન્કિંગ અનુસાર, વિશ્વની સૌથી શક્તિશાળી સેનાઓની યાદી જાહેર કરવામાં આવી છે, જેમાં વિવિધ દેશોના સૈન્ય બળનું સ્થાન નક્કી થયું છે. વિશ્વમાં સૌથી શક્તિશાળી સેનાના મામલે અમેરિકા પ્રથમ ક્રમે છે. 0.0741ના પાવર ઇન્ડેક્સ, 13.28 લાખ એક્ટિવ સૈનિકો અને સૌથી વધુ સંરક્ષણ બજેટ સાથે અમેરિકા એડવાન્સ ટેક્નોલોજીમાં પણ આગળ છે. રશિયા બીજાં સ્થાને છે, જે 13.20 લાખના સૈન્યબળ અને આધુનિક તકનીકથી અમેરિકાને ટક્કર આપે છે, જ્યારે ચીન 20.35 લાખના વિશાળ સૈન્યબળ અને સતત વધતાં સંરક્ષણ બજેટ સાથે ત્રીજાં સ્થાને છે. આ યાદીમાં ભારત ચોથું સ્થાન ધરાવે છે. ભારત પાસે 14,55,550 એક્ટિવ સૈનિકો છે અને તેની થલ સેના વિશ્વની સૌથી મોટી સેનાઓમાંથી એક છે. `આત્મનિર્ભર ભારત' અભિયાન હેઠળ સંરક્ષણ ક્ષેત્રે સ્વદેશી ટેક્નોલોજી અને હથિયારો પર ભરોસો વધારવામાં આવી રહ્યો છે, જેનાથી ભારતની સૈન્ય તાકાત સતત મજબૂત થઈ રહી છે. યાદીમાં દક્ષિણ કોરિયા 6 લાખ એક્ટિવ સૈનિકો અને અત્યાધુનિક નૌસેના સાથે પાંચમા ક્રમે છે. ફ્રાન્સ એરફોર્સ અને એડવાન્સ ડિફેન્સ ટેક્નોલોજીનાં બળે છઠ્ઠાં સ્થાને છે. જાપાન હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં ચીન માટે મોટો પડકાર બનીને સાતમા ક્રમે રહ્યું છે. યુનાઈટેડ કિંગડમ (યુકે) પોતાની મજબૂત નૌસેના અને 2 લાખ સૈનિકો સાથે આઠમા ક્રમે છે. તુર્કિયે 3.55 લાખથી વધુ એક્ટિવ સૈનિકો, મોટી સંખ્યામાં રિઝર્વ બળ અને 2200થી વધુ ટેન્ક-તોપો સાથે નવમા ક્રમે છે, જે ઈસ્લામિક દેશોમાં સૌથી શક્તિશાળી સેના ધરાવે છે.

Panchang

dd