નરેન્દ્ર ચૌહાણ દ્વારા : દહીંસરા (તા. ભુજ), તા. 24 : આ ગામથી ચાર
કિ.મી. દૂર ધુણઇની સીમમાં જંગલેશ્વર મહાદેવ મંદિરનો શિવભક્તો દ્વારા વિકાસ કરાયો છે.
ધાર્મિક સ્થળ સાથે પ્રવાસન ધામ બની ગયું છે. 27 ફૂટ ઊંચી 13 લાખના ખર્ચે
શિવપ્રતિમા આકર્ષણનું કેન્દ્ર બની છે. સાથે છત્રપતિ શિવાજી મહારાજ અને મહારાણા પ્રતાપની
પ્રતિમા સ્થાપિત છે. જંગલેશ્વર મહાદેવ વિકાસ ટ્રસ્ટ દ્વારા રૂા. બે કરોડનો ખર્ચ કરવામાં
આવ્યો છે. શિવલિંગ સ્વયંભૂ પથ્થરનું છે. શ્રાવણ પવિત્ર માસમાં દહીંસરા, ધુણઇ, સરલી, ગોડપર, મેઘપર, ચુનડી, પુનડીના શ્રદ્ધાળુઓ પગે ચાલીને દર્શનાર્થે આવે છે. ચાર પ્રહરના પૂજાપાઠ-આરતી
થાય છે. લઘુરુદ્રી કરવા ભક્તો દૂરથી આવે છે. મંદિરમાં બાર જ્યોતિર્લિંગનાં દર્શન થાય
છે. માન્યતા મુજબ શિવલિંગનું કદ દર વર્ષે વધે છે. દહીંસરાના પટેલ વિશ્રામભાઇ દેવજી
ભુડિયા ભગત દ્વારા મંદિરનો વિકાસ થયો છે. હાલે શિવશક્તિ ગ્રુપ દ્વારા સંચાલન કરાય છે.
દહીંસરાના પૂજારી મોહનગર ગુંસાઇ પરિવાર પૂજાપાઠ કરે છે. મંદિર પરિસરમાં બે હજાર વૃક્ષો
વાવીને નંદનવન બનાવાયું છે. નાના બાળકો માટે મનોરંજન સાધનો ઉપલબ્ધ છે. ઠંડાં પાણીની
સગવડ છે. વિશાળ મેદાન ધરાવે છે. રાસ-ગરબા, મહાઆરતી યોજાય છે.
આગામી સાતમ-આઠમના પ્રથમ વખત મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. અત્યારથી તૈયારી શિવશક્તિ
ગ્રુપ દ્વારા ચાલુ થઇ ગઇ છે.