નવી
દિલ્હી,
તા.1: અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામ હવે નામનો જ
બચ્યો હોય તેવો ઘાટ છે. બન્ને દેશ વચ્ચે શાંતિ સમજૂતીની આશા પણ રોજ વધુને વધુ
ધૂંધળી બનતી જાય છે. બન્ને પક્ષ તરફથી ફરી એકવાર સામસામા હુમલા કરવામાં આવ્યા છે.
અમેરિકી સેનાએ કહ્યું હતું કે, શનિ-રવિવારે ઈરાનમાં
કેટલાક રડાર અને ડ્રોન નિયંત્રણ ઠેકાણાઓ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. બીજીબાજુ
ઈરાને કુવૈતમાં અમેરિકાનાં એરબેઝને ફરી એકવાર ડ્રોન અને મિસાઈલથી નિશાને લીધું
હતું. અમેરિકાનાં સેન્ટ્રલ
કમાન્ડ(સેટકોમ)નાં જણાવ્યા અનુસાર ઈરાનનાં ગોરુક ક્ષેત્ર અને કેશ્મ દ્વીપ ઉપર
હુમલા કરવામાં આવ્યા હતાં. જેમાં રડાર અને ડ્રોન કંટ્રોલ સેન્ટરને નિશાને લેવામાં
આવ્યા હતાં. આ કાર્યવાહી આત્મરક્ષાનાં ભાગરૂપે કરવામાં આવી હતી. આ પહેલા ઈરાને
અમેરિકાનાં એક એમક્યૂ-1 ડ્રોનને તોડી પાડયું હતું. જેનાં જવાબમાં આ
હુમલા કરવામાં આવ્યા હતાં. તો સામે છેડે ઈરાનનાં રિવોલ્યુશ્નરી ગાર્ડ્સ તરફથી દાવો
કરવામાં આવ્યો હતો કે, તેનં દ્વારા અમેરિકાનાં સૈન્ય
મથક ઉપર હુમલો કરવામાં આવ્યો છે. આ મથકનો ઉપયોગ અમેરિકા દ્વારા ઈરાન ઉપર હુમલા
કરવા માટે થતો હતો. ઈરાન તરફથી આ હુમલો ક્યાં કરવામાં આવ્યો તે સ્પષ્ટ કરવામાં
આવ્યું નહોતું પણ કુવૈતનાં જણાવ્યા અનુસાર આ હુમલા તેનાં ક્ષેત્રમાં થયો છે.
કુવૈતની સેનાએ કહ્યું હતું કે, તેની એર ડિફેન્સ સિસ્ટમ
મિસાઈલ અને ડ્રોન હુમલા રોકવામાં લાગેલી છે. આ દરમિયાન આખા દેશમાં હવાઈ હુમલાની
ચેતવણી આપતાં સાયરન પણ ગુંજતા રહ્યાં હતાં.