ગાંધીધામ, તા. 1 : ગત
મહિનામાં પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન દ્વારા માલ પરિવહન, હેન્ડલિંગ અને પ્રવાસી સેવામાં
સાર્વધિક વૃદ્ધિ હાંસલ કરી છે, જેમાં કચ્છનો મહત્તમ ફાળો
રહ્યો છે. વધુ રેક હેન્ડલિંગ સાથે માલપરિવહન ઝડપી બનાવવા માટે રેલવે દ્વારા અબડાસા
તાલુકાના સેક્શનમાં ગતિ વધારવા સહિતનાં પગલાં
લેવાયાં હતાં. રેલવેના સત્તાવાર સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ અમદાવાદ
ડિવિઝન દ્વારા વિવિધ ક્ષેત્રે નવા કીર્તિમાન મે મહિના દરમ્યાન સ્થાપ્યા છે. મે 2026માં
517.34 કરોડની
માલ ભાડા આવક પ્રાપ્ત કરી છે તેમજ 2.93 મિલિયન ટન માલનું લોડિંગ
કરાયું છે. ગત મે મહિનામાં 3.83 મિલિયન ટનની સરખામણીએ 2.6 ટકાની વૃદ્ધિ રેલવેએ હાંસલ કરી
છે. ગત મહિને 2,639.48 વેગનોનું
લોડિંગ કરાયું હોવાનું અધિકારિક સૂત્રોએ જણાવ્યું હતું. મે 2025ની
સરખામણીએ મુખ્ય કોમોડિટીમાં નોંધપાત્ર વધારો
જોવા મળ્યો છે. જેમાં ઔદ્યોગિક મીઠામાં 31.53 ટકા, ખાતરોમાં 13.02 ટકા, અને અન્ય
કોમોડિટીમાં 22.64 ટકાનો વધારો નોંધાયો છે. કંડલા અને મુંદરા
બંદરને કારણે તેમજ અબડાસા તાલુકાના નલિયામાં રેલવે દ્વારા માલ પરિવહનની સુવિધા શરૂ
કરાયા બાદ કચ્છ એરિયાનું અમદાવાદ ડિવિઝનમાં માલ પરિવહનમાં યોગદાન ઓર વધ્યું છે. માલ લાદવાના મામલે
ગાંધીધામ એરિયા સૌથી આગળ રહ્યો છે પ્રતિ દિન સરેરાશ 1936.37 વેગનોનું
લોડિંગ કરાયું છે. ગત મહિને કચ્છથી કાશમીર સુધીની વ્યાપક પહેલ રેલવે દ્વારા
કરવામાં આવી હતી. બિઝનેસ ડેવલોપમેન્ટ યુનિટના પ્રયાસથી ગાંધીધામ ક્ષેત્રે
લોજિસ્ટિકમાં નવો માઈલસ્ટોન મેળવ્યો હતો. ગત તા. 5 મેના કચ્છથી કાશમીર
માલપરિવહન હેઠળ 20 બી.સી.એન. વેગનોમાં ભીમાસરથી બારી બ્રાહ્મણ અને
અનંતનાગ માટે ખાદ્યતેલની પ્રથમ રેક રવાના કરવામાં આવી હતી. રેલવે દ્વારા ગત મે
મહિનાની સરખામણીએ 28 વધુ
ટ્રેન સાથે 149 લોંગ
હોલ ટ્રેનોનું સંચાલન કરાયું હતું. આ ઉપરાંત 1720 ક્રેક ટ્રેનોનું પણ સંચાલન
કરાયું હોવાનું અધિકારિક સૂત્રોએ જણાવ્યું હતું. માલ પરિવહનમાં આવતા અવરોધોને પૂરા
કરવા માટે રેલવે દ્વારા વિવિધ પગલાં લેવાયાં હતાં. આ માલ પરિવહનને વધુ સુચારુ
બનાવવા માટે સણોસરા નલિયા સેકશનમાં પુલ નંબર 331 અને 337 ઉપર ગતિનાં પ્રતિબંધો હટાવાયાં
હતાં અને મહત્તમ ગતિ 70 કિલોમીટર પ્રતિ કલાક કરવામાં આવી હતી. માલ
પરિવહન ક્ષેત્રે અમદાવાદ ડિવિઝને કાર્યક્ષમતાના ક્ષેત્રમાં શ્રેષ્ઠ કામગીરી કરીને
પશ્ચિમ રેલવેની પ્રગતિમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.