• મંગળવાર, 02 જૂન, 2026

દેશમાં સંકટના સમયે સંઘના સ્વયંસેવકો મદદે આવે છે

અંજાર, તા. 1 : શહેરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ઉપક્રમે ચાલતા સંઘ શિક્ષા વર્ગના સમાપન સમારંભમાં  સંગઠિત હિન્દુ સમાજ તૈયાર કરવાનું કામ સંઘ કરતું હોવાની  લાગણી ઉપસ્થિત મહેમાનોએ વ્યક્ત કરી હતી. સંઘ શિક્ષા વર્ગના વર્ગ કાર્યવાહ દીપકભાઈ ગમઢાએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર પ્રાંતના સંઘ શિક્ષા વર્ગ અંજાર ખાતે કુલ 194 સ્થાન પરથી 284 સ્વયંસેવક ઉપસ્થિત રહ્યા હતા. વર્ગ દરમિયાન આ શિક્ષાર્થીઓએ વિવિધ શારીરિક, બૌદ્ધિક, વ્યવસ્થા અને સેવા  સહિતના  કૌશલ્યો  શિખ્યા હતા. વર્ગ દરમિયાન અંજાર નગર અને આજુબાજુના વિસ્તારોમાંથી માધુકરી યોજના દ્વારા લગભગ 5000 માતૃશક્તિ દ્વારા રોટલી અને રોટલાઓનો સહયોગ શિક્ષાર્થીઓના ભોજન માટે કરવામાં આવ્યો હતો જે બદલ આભારની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી. કુલ 145 પરિવાર દ્વારા માતૃહસ્તે ભોજનનો કાર્યક્રમ પણ વર્ગ અંદર યોજાયો હતો. સમારોહના અતિથિ વિશેષ મચ્છોયા આહીર સમાજના પ્રમુખ તેજાભાઈ રમાભાઈ કાનગડે જણાવ્યું હતું કે, દેશના કોઈ પણ સંકટ સમયે સંઘના સ્વયંસેવકો જ મદદે આવે છે, દેશની દરેક સમસ્યાઓનો સામનો કરવામાં સંઘના સ્વયંસેવકો મદદરૂપ થાય છે. કાર્યક્રમના મુખ્ય વક્તા સુનીલભાઈ મહેતાએ જણાવ્યું હતું કે, સંઘ શતાબ્દી વર્ષમાં આ સંઘ શિક્ષા વર્ગ ચાલી રહ્યો છે ત્યારે આખા દેશભરમાં 101 સ્થળે આ પ્રકારના વર્ગનું આયોજન થઈ રહ્યું છે. સંઘના સ્વરૂપનો પરિચય આપતા તેમને જણાવ્યું હતું કે, સંઘ કોઈ લશ્કરી સંગઠન નથી, કોઈ અખાડો નથી, પરંતુ સંઘનું લક્ષ્ય  હિન્દુ રાષ્ટ્રનું છે. ઈશ્વર નિર્મિત હિન્દુરાષ્ટ્ર છે જેનું પુન:નિર્માણ કરવાનું છે. આ પુન:નિર્માણ માટે વૈભવ સંપન્ન, શક્તિ સંપન્ન એવો સંગઠીત હિન્દુસમાજ તૈયાર કરવાનું કામ સંઘનું  છે. કેશવ બલીરામ હેડગેવાર એક સર્વસાધારણ વ્યક્તિ હતા, દેશભક્ત હતા, મોટા ભાષણ આપવાવાળા નેતા ન હતા, માટે સંઘની સ્થાપના વિશિષ્ટ પદ્ધતિ વિશિષ્ટ રીતે એ થઈ હતી. આજે જ્યારે સંઘ 100 વર્ષ પૂર્ણ કરે છે, ત્યારે શાખા દ્વારા આત્મીયતાના ભાવ જાગરણનું કામ કરે છે, જેના કારણે સ્વયંસેવકોને સમાજનું સુખ-દુ:ખ પોતાનું સુખ-દુ:ખ લાગે છે. વિશેષમાં તેમણે જણાવ્યું હતું કે, ચાર પ્રકારના હિન્દુની વાત કરતાં તેમણે ઉમેર્યું હતું કે, એક એ જે પોતાને હિન્દુ માને છે અને હિન્દુ હોવા પર ગર્વ છે. બીજા પોતાના હિન્દુ તો કહે છે, પણ પૂર્વજોનો ઇતિહાસ ખબર નથી માટે તેને હિન્દુ તરીકેનું ગૌરવ નથી. ત્રીજા પોતાને હિન્દુ તો માને છે પણ હિન્દુ તરીકે જાહેર કરવા પર સંકોચ અનુભવે છે. ચોથા હજુ પણ પોતાની જાતને હિન્દુ કહેવડાવતા નથી હિન્દુ કહેવડાવવામાં સંકોચ કરે છે, પરંતુ સંઘની 100 વર્ષની યાત્રા બાદ સમાજમાં ધીમે-ધીમે હિન્દુ ચૈતન્ય જાગૃત થઈ રહ્યું છે. સજ્જન લોકો આજે સંઘ સાથે મળી અને સંઘના રાષ્ટ્ર કાર્યના ભગીરથ કાર્યમાં સાથ આપવા તૈયાર છે. આવી સંગઠિત હિન્દુશક્તિના આધાર ઉપર શક્તિ સંપન્ન હિન્દુ સમાજ ઉત્પન્ન થશે. મા ભારતીને જગતજનનીના સ્થાન ઉપર પુન:પ્રતિષ્ઠિત કરશે એવી અપેક્ષા વ્યક્ત કરી હતી.

Panchang

dd