ભુજ, તા. 1 : આમ તો ઉચ્ચ સરકારી અધિકારીના ડ્રાઈવરની ફરજ ગાડી
ચલાવવાની છે, પરંતુ કયારેક એવો પણ મોકો આવે કે, ખુદ એ જ સનદી અધિકારી દરવાજો ખોલીને પોતાના ડ્રાઈવરને કારમાં બેસાડી ઘર
સુધી મૂકવા જાય તો... હા એવું જ દૃશ્ય ગઇકાલે ભુજના જિલ્લા પંચાયત ભવનમાં જોવા
મળ્યું હતું. જિલ્લા વિકાસ અધિકારી અત્યારે ઉત્સવ ગૌતમ છે અને ડી.ડી.ઓ.ની સરકારી
કારના ચાલક તરીકે કિશોરભાઇ હાલા 1995થી ફરજ બજાવતા હતા ને કાલે તેઓ
નિવૃત્ત થયા હતા. નિવૃત્તિના છેલ્લા દિવસે કચેરી છોડવાનો સમય થતાં ડ્રાઈવર
કિશોરભાઇનો છેલ્લો દિવસ હોવાથી ડી.ડી.ઓ. શ્રી ગૌતમ પોતે ચેમ્બરમાંથી ઊભા થઇ તેમને
બહાર ગેટ સુધી મૂકવા આવ્યા ને પોતાની ગાડીનો દરવાજો ખોલી કિશોરભાઇને બેસાડી ગાડી
ઘેર મૂકવા જશે તેવી સૂચના આપી હતી. આ દૃશ્ય જોઇ ચાલક પણ ભાવુક બની ગયા હતા. આમ
અત્યાર સુધીનો સિલસિલો આવો રહ્યો છે કે, ઉચ્ચ અફસર
નિવૃત્ત કે બદલી પામે તો તેને ભાવભેર વિદાય અપાતી હોય છે પરંતુ નાના કર્મચારીની પણ
કદર થવી જોઇએ તેનો દાખલો બેસાડવામાં આવ્યો હતો.