નવી દિલ્હી, તા. 1 : સુપ્રીમ
કોર્ટે સોમવારે નીટ-યુજીની 21 જૂને યોજાનારી પરીક્ષા
કોમ્પ્યુટરથી લેવાય તેવી માંગ માનવાનો ઇન્કાર કરી દીધો હતો. આમ, પુન: પરીક્ષા પેન-પેપરની
પરંપરાગત પદ્ધતિથી જ લેવાશે. જસ્ટિસ પી. એસ. નરસિમ્હા અને અરવિંદકુમારની ખંડપીઠે
રાજદ સાંસદ સુધાકરસિંહની અરજી પર સુનાવણી કરી હતી. આ તબીબી પ્રવેશ પરીક્ષા રદ
કર્યા બાદ બીજીવાર યોજાઇ રહી છે. એજન્સીઓ અનેક પડકારો અને દબાણમાં કામ કરી રહી છે.
તરત પરીક્ષાની પદ્ધતિમાં બદલાવ સંભવ નથી તેવું કોર્ટે કહ્યું હતું. બીજી તરફ
શિક્ષણ, મહિલા, બાળ, યુવા અને રમત મામલાઓની સંસદની સમિતિની સોમવારે મળેલી બેઠકમાં નેશનલ
ટેસ્ટિંગ એજન્સી (એનટીએ)નાં સ્થાને નવી સંસ્થાનો પ્રસ્તાવ અપાયો હતો. રાજદ સાંસદની
અરજી સાંભળતાં જસ્ટિસ નરસિમ્હાએ જણાવ્યું હતું કે, પહેલાં પણ
આવી અપીલો થઇ હતી, જે રદ કરી દેવાઇ હતી. આ તબક્કે આવી રાહત
આપવાનો કોઇ સવાલ જ નથી ઊઠતો. અધિકારીઓ પહેલાંથી જ અનેક પડકારોનો સામનો કરી રહ્યા
છે. ન્યાયમૂર્તિ નરસિમ્હાએ જણાવ્યું હતું કે, અમે રજાઓ બાદ
જુલાઇમાં આ મામલાની સુનાવણી કરીશું.