• મંગળવાર, 02 જૂન, 2026

ગાંધીધામના ગુરુકુળમાં લાઇન તૂટતાં પાણીનો વેડફાટ

ગાંધીધામ, તા. 1 : ગાંધીધામના ટાગોર રોડથી ગુરુકુળ તરફ જતા માર્ગ ઉપર ગેટ પાસે ખોદકામ અને લોડિંગ ડમ્પરોનાં કારણે લાઇન તૂટી જતાં હજારો લિટર પાણી વેડફાયું હતું. આ પાણી વેડફાટ કોન્ટ્રાક્ટર માટે આશીર્વાદરૂપ હતો, પરંતુ 10-, 10-બી - સી સહિતના વિસ્તારોના 2,000 થી વધુ ઘર પીવાનાં પાણીની રાહમાં હતા. તાત્કાલિક મહાનગરપાલિકાના કર્મચારીઓએ ત્યાં પહોંચીને કોન્ટ્રાક્ટર પાસે લાઈનની મરામત કરાવી હતી, પરંતુ ત્યાં સુધીમાં તો હજારો લિટર પાણીનો વેડફાટ થઈ ચૂક્યો હતો. આ વિસ્તારમાં આમ પણ પીવાનાં પાણીનો સપ્લાય કરવામાં વધુ સમય વીતી ગયો હતો. દર ચોથા દિવસે પાણી આપવામાં આવે છે, તેના બદલે અઠવાડિયે પીવાનું પાણી મળ્યું છે.  તેવામાં પણ લાઈન તોડી નાખતાં સવારથી લઈને બપોર સુધી લાઈનને મરામત કરવામાં આવી હતી અને બપોરના આરસામાં આ વિસ્તારમાં પીવાનાં પાણીનો સપ્લાય કરવામાં આવ્યો હતો.  આ રોડ ઉપર વારંવાર પીવાનાં પાણીની લાઈનો તૂટી રહી છે. ખોદકામ દરમિયાન જેસીબીથી લાઈનો તૂટે છે. આ ઉપરાંત લોડિંગ ડમ્પરો પસાર થતા હોવાથી લાઈનો તૂટી રહી છે. આરસીસી  રોડની વચ્ચોવચ પાણીની લાઈન છે.  ભવિષ્યમાં લીકેજ થશે તો આરસીસી રોડ તોડવાની નોબત આવે તેવી સ્થિતિ છે. વહીવટી તંત્ર દ્વારા આ બાબતે રોડ બન્યા પહેલાં કોઈ નિર્ણય લેવામાં આવે તે જરૂરી છે. રોડ-રસ્તાઓનાં કામોમાં કોન્ટ્રાક્ટરો લાઈનો તોડી રહ્યા છે, પાલિકાની મિલકતોને નુકસાન પહોંચી રહ્યું છે. લોકો પાણીનો બગાડ કરે છે તો તંત્ર 10,000 સુધીનો દંડ ફટકારે છે. પાણીનો બગાડ થવો ન જોઈએ તે સત્ય છે પરંતુ લોકોને દંડ ફટકારાય છે. કોન્ટ્રાક્ટરો લાઈન તોડીને હજારો લાખો લિટર પાણીનો વેડફાટ કરે છે અને લાઈનોને નુકસાન પહોંચાડે છે તો તેમની પાસેથી દંડની વસૂલાત શું કામ નથી કરવામાં આવતી તે સહિતના સવાલો જાગૃત નાગરિકો ઉઠાવી રહ્યા છે. ગુરુકુળમાં જ્યાં લાઈન તૂટી હતી ત્યાં વાલ્વને પણ નુકસાન થયું છે. હાલના સમયે ત્યાંથી વાલ્વ કાઢીને સીધું કનેક્શન આપવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું.

Panchang

dd