નવીદિલ્હી,તા.1: એક દેશ, એક ચૂંટણી અને
સીમાંકન વિધેયકને ફરીથી સંસદમાં રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે. પહેલીવાર સીમાંકન
ખરડામાં સરકારને ઝટકો લાગ્યા બાદ હવે ભાજપ આનાં માટે હવે મોટી રણનીતિ બનાવી રહ્યો
છે. જો કે આ બારામાં કોઈ સત્તાવાર જાણકારી આપવામાં આવી નથી પણ પશ્ચિમ બંગાળમાં
તૃણમૂલ કોંગ્રેસ અને તામિલનાડુમાં ડીએમકે જેવા મોટા પ્રાદેશિક પક્ષોનાં પરાજયની
પૃષ્ઠભૂમિમાં હવે 2029ની લોકસભા ચૂંટણી પહેલા તેને ફરીથી લાવવાનો
પ્રયાસ કરવામાં આવશે. એપ્રિલમાં બંધારણીય સુધારા ખરડો વિફળ થયા બાદ ભાજપ હવે
નવેસરથી આની તૈયારી કરી રહ્યો છે. સૂત્રોનાં હવાલેથી આવતાં મીડિયાનાં અહેવાલો
અનુસાર ગૃહ મંત્રાલય નવું સીમાંકન બિલ તૈયાર કરે છે. જ્યારે સંસદમાં લોકસભાની
બેઠકો માટે સીમાઓ ફરીથી નિર્ધારિત કરવા માટે સીમાંકન બિલ લાવવામાં આવ્યું ત્યારે
કોંગ્રેસ,
ડીએમકે અને તૃણમૂલ કોંગ્રેસ સહિતનાં વિપક્ષી દળોએ ઈન્ડિયા ગઠબંધનનાં
નેજાં હેઠળ 230 સાંસદનાં સંખ્યાબળથી તેનો સામૂહિક વિરોધ કર્યો
હતો. જો કે તાજેતરની વિધાનસભા ચૂંટણીનાં પરિણામો બાદ ભાજપનો ઉત્સાહ વધ્યો છે અને
વિપક્ષ વચ્ચે મતભેદો બહાર આવ્યા છે અને કોંગ્રેસે સાથ છોડી દીધા બાદ ડીએમકે અમુક
મુદ્દે ભાજપ સાથે વાતચીત માટે પણ તૈયાર હોવાનું કહેવાય છે. કહેવાય છે કે, ભાજપની નજર તૃણમૂલમાં ચાલતા ઘટનાક્રમો ઉપર પણ છે. તૃણમૂલમાં મોટાપાયે
રાજીનામાનો સિલસિલો ચાલુ થયેલો છે. હાલ સંસદીય સમિતિ દ્વારા એક દેશ, એક ચૂંટણી વિધેયકની સમીક્ષા કરવામાં આવી રહી છે. જેપીસીનાં અધ્યક્ષ
પી.પી.ચૌધરીએ કહ્યું હતું કે, કાયદામાં જલ્દી સુધારો કરવામાં
આવશે. રિપોર્ટ તૈયાર કરવામાં સારી પ્રગતિ થઈ રહી છે અને સમયસર તે જમા પણ કરાવી
દેવામાં આવશે. રાજ્યોની ચૂંટણી ધ્યાને રાખીને આ કાયદાને તબક્કાવાર લાગુ કરવામાં
આવી શકે છે.