નવી દિલ્હી, તા. 22 : પશ્ચિમ એશિયામાં વધતા તણાવ,
હોર્મુઝની ખાડીમાં સંકટ અને વૈશ્વિક તેલ પુરવઠા પર તોળાઇ રહેલા ખતરા વચ્ચે અમેરિકાએ ભારતને `જેટલું તેલ અને ગેસ જોઇતા હોય તેટલાં આપવા'ની તૈયારી બતાવી છે.
નવી દિલ્હી રવાના થતાં પહેલાં અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયોએ મિયામીમાં પત્રકારો
સાથે વાત કરતાં કહ્યું હતું કે, અમે ભારતને જેટલી ઊર્જા ખરીદવી હોય તેટલી વેચવા માગીએ
છીએ. અમેરિકા હાલમાં વિક્રમવી સ્તરે ઓઇલ અને ગેસનું ઉત્પાદન અને નિકાસ કરી રહ્યું છે.
રૂબિયો 23મીથી 26 મે સુધી ભારતના પ્રવાસે રહેશે. અમેરિકાના વિદેશમંત્રી બન્યા
બાદ આ તેમની પહેલી ભારતયાત્રા રહેશે. ભારતમાં તેઓ કોલકાતા, આગ્રા, જયપુર અને નવી દિલ્હી
જશે. તેમના એજન્ડામાં ઊર્જા સુરક્ષા, સુરક્ષા સહયોગ, વ્યાપાર અને ઇન્ડો-પેસેફિક રણનીતિ
જેવા મુદ્દા રહેશે. ભારત દુનિયાના સૌથી વધુ ક્રૂડતેલ આયાત કરતા રાષ્ટ્રોમાંથી એક છે.
તેની જરૂરિયાતો મુખ્ય રીતે મધ્ય-પૂર્વથી પૂરી થતી હોય છે, પરંતુ ઇરાન સંકટ અને હોર્મુઝ
ખાડીમાં જહાજોનાં આવાગમન પર અસરે નવી દિલ્હીની ચિંતામાં વધારો કર્યો છે. આ સંજોગોમાં
અમેરિકા પોતાને ભારત માટે `િવશ્વસનીય
સપ્લાયર'ના રૂપમાં રજૂ કરવા માગે છે. રૂબિયોએ કહ્યું કે, અમેરિકા અગાઉથી જ ભારત સાથે
ઊર્જા સહકાર વધારવાને લઇને વાતચીત કરી રહ્યું છે. તેમણે જણાવ્યું કે, અમે ઇચ્છીએ છીએ
કે, અમેરિકાની ઊર્જા, ભારતના આયાત પોર્ટફોલિયોનો મોટો હિસ્સો બને. તેમણે વેનેઝુએલાના
તેલનો પણ ઉલ્લેખ કર્યો હતો અને આ મોરચા પર પણ ભારત સાથે સંભાવનાઓ શોધવાનો સંકેત આપ્યો
હતો.