નવી દિલ્હી, તા. 22 : અધિક જેઠના જલદ તાપથી ત્રાહિમામ
ભારતીય જનજીવન હવે વરસાદનું વહાલ ઝંખી રહ્યું છે. દુનિયામાં 100 સૌથી ગરમ શહેરોમાં 97 શહેર એકલા ભારત દેશનાં છે.
દેશના અનેક વિસ્તોમાં ઉષ્ણતામાપક પારો 48 ડિગ્રી સેલ્સિયસને પાર ચાલ્યો ગયો છે. ઉત્તરપ્રદેશનાં બાંદા
સાથે બિહારનાં સાસારામ અને ઓરિસ્સાના બલાંગીરમાં પણ તાપમાન 48 ડિગ્રીથી ઊંચું છે. સમગ્ર
ઉત્તર, મધ્ય અને પૂર્વ ભારતમાં આભેથી અગન વરસી રહી છે. ઓરિસ્સાનું બલાંગીર દુનિયાનું
સૌથી તપતું શહેર શુક્રવારે રહ્યું હતું. અનેક શહેરોમાં ભેજનું પ્રમાણ માંડ છથી આઠ ટકા
વચ્ચે રહ્યું હતું, જેનાં કારણે ચામડી ચચરાવી નાખે તેવો તીવ્ર તાપ અનુભવાયો હતો. મોસમ
વિજ્ઞાન વિભાગે પાંચ દિવસ એટલે કે, 27મી મે સુધી દિલ્હી અને ઉત્તર ભારતમાં ભીષણ લૂની સ્થિતિનો વર્તારો
આજે આવ્યો હતો.