નવી દિલ્હી, તા. 22 : દેશના ચૂંટણીપંચે શુક્રવારે
રાજ્યસભા ચૂંટણીની તારીખનું એલાન કર્યું હતું. ગુજરાત સહિત 12 રાજ્યોની ખાલી થઇ રહેલી 26 બેઠકો પર 18 જૂનના ચૂંટણી અને પેટાચૂંટણી
થશે, તો 10 રાજ્યની 24 બેઠકો પર દ્વિવાર્ષિક ચૂંટણી
યોજાશે. ગુજરાતમાં વિધાનસભામાં કોંગ્રેસનું સંખ્યાબળ ઘટયું હોવાથી ચારેય બેઠક પર ભાજપના
વિજયની પૂરી શકયતા છે. કાર્યકાળ પૂરો કરનારા
સભ્યોમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લાકાર્જુન ખડગે, પૂર્વ વડાપ્રધાન એચ.ડી. દેવગૌવડા જેવા
નેતાઓ સામેલ છે. ગુજરાત, આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાં ચાર-ચાર, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં
ત્રણ-ત્રણ, ઝારખંડમાં બે, અરૂણાચલ પ્રદેશ, મણિપુર, મેઘાલય, મિઝોરમની એક-એક બેઠક પર
નિયમિત ચૂંટણી થશે. આ ચૂંટણી માટે પહેલી જૂને જાહેરનામું જારી કરાશે. આઠમી જૂન સુધી
નામાંકન અને મતદાન 18 જૂનની સવારે
નવથી સાંજે ચાર વાગ્યા સુધી થશે. મતગણતરી કવાયત
પણ એ જ દિવસે સાંજે શરૂ થઇ જશે અને એ જ દિવસની મોડીરાત સુધીમાં પરિણામો પણ આવી જશે.
ગુજરાતના ચિત્ર પર નજર કરીએ તો તમામ બેઠક નિર્વિરોધ થઇ શકે છે. ચારમાંથી ત્રણ બેઠક
ભાજપ પાસે અને એક કોંગ્રેસની છે.ગુજરાતના ઇતિહાસમાં આ વખતે પહેલીવાર રાજ્યસભામાં ગુજરાતથી
કોંગ્રેસના કોઇ પણ પ્રતિનિધિ નહીં હોય.