ગાંધીધામ, તા. 22 : રાજ્યભરમાં વધતી જતી મોંઘવારી અને કચ્છ સહિત વિવિધ વિસ્તારોમાં ડીઝલની
અછતને લઈને પરિવહન ઉદ્યોગકારોને વેઠવી પડતી હાલાકી મુદ્દે આમ આદમી પાર્ટી પૂર્વ કચ્છે
વિરોધ નોંધાવી આવેદનપત્ર પાઠવ્યુ હતું. આમ આદમી પાર્ટી(આપ)એ મુખ્યમંત્રીને સંબોધીને ગાંધીધામ
મામલતદારને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, હાલમાં મોંઘવારી દિવસો દિવસ વધી રહી છે તેમજ ઈંધણના ભાવ સતત વધી
રહ્યા છે. આ ઉપરાંત પરિવહન ઉદ્યોગકારેને કલાકો
સુધી લાઈનમાં ઊભા રહ્યા બાદ પણ પુરતા પ્રમાણમાં
ડીઝલનો જથ્થો મળતો નથી. વધુમાં ઉમેર્યું હતું કે, વાવણીના સમયે ખેડૂતોને પણ ડીઝલ મળતું નથી, ધરતીપુત્રોના હિતો
ધ્યાનમાં રાખીને તમામ સરકારી અને ખાનગી પેટ્રોલપંપો ઉપર ખેડૂતો માટે ડીઝલનો વિશેષ અનામત જથ્થો ફાળવવા માંગ કરાઈ હતી. વધુમાં તમામ ધોરીમાર્ગ ઉપર પરિવહન ઉદ્યોગકારોની
હાલાકી નિવારવા માટે 24 કલાક ડીઝલનો
પુરવઠો મળી રહે તે મુજબનું આયોજન કરવા માંગ
કરાઈ હતી, સંગ્રહખોરી અને મોંધવારીને નિયત્રણમાં લેવા અને કૃત્રિમ અછત નિવારવા ભાવ નિયંત્રણ અને મોનિટરિંગ સ્ક્વોર્ડની રચના કરવા
પણ માંગ કરાઈ હતી. આવેદનપત્ર પાઠવતી વેળાએ આપના કાર્યકરોએ સૂત્રોચ્ચાર કર્યા હતા, જેમાં
આપના પ્રદેશ ઉપપ્રમુખ ડો. કાયનાત અંસારી,
નીલેશ મહેતા, જિજ્ઞાશા સોંદરવા, નિશા દુદાણી, કોમલ દનીચા, સંજય સરિયાલા, યોગેશ
કુમઠેકર સહિતના ઉપસ્થિત રહ્યા હતા.