• શનિવાર, 23 મે, 2026

વાયોર પોલીસે રોયલ્ટી વિના માટી વહન કરતાં બે ટ્રેક્ટર ઝડપી પાડયાં

નલિયા, તા 22 : અબડાસાના વાયોર પંથકમાં ગેરકાયદેસર ખનિજચોરી સામે પોલીસે લાલ આંખ કરી છે. વાયોર પોલીસે ખારાઈ રોડ પરથી રોયલ્ટી કે પરમીટ વગર માટીનું વહન કરતાં બે ટ્રેક્ટરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાથી ખનિજ માફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ગેરકાયદેસર ખનિજ ચોરી અટકાવવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા કડક સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાના અનુસંધાને, વાયોર પોલીસ સ્ટેશનનો સ્ટાફ ખારાઈ રોડ પર વાહન ચાકિંગ કરી રહ્યો હતો તે દરમિયાન, ખારાઈ ગામ તરફથી માટી ભરીને આવતાં બે સ્વરાજ કંપનીનાં ટ્રેક્ટર (રજિ. નં. જીજે-12-એફડી 9360 અને જીજે-12-એએન-7608)ને રોકવામાં આવ્યાં હતાં. પોલીસે બંને ટ્રેક્ટરના ચાલકો રફીક સુમાર રાયમા (ઉં.વ. 22, રહે. ખારાઈ, તા. લખપત) અને સિકંદર ખમીશા રાયમા (ઉં.વ. 19, રહે. ખારાઈ, તા. લખપત)ની પૂછપરછ કરતાં અને માટી ભરવા અંગેના આધાર-પુરાવા માગતા, તેઓ કોઈ સંતોષકારક જવાબ કે પુરાવા રજૂ કરી શક્યા ન હતા. આથી, વાયોર પોલીસે ખાણ-ખનિજ અધિનિયમ કલમ-34 હેઠળ બંને ટ્રેક્ટરને ડીટેઇન કર્યાં હતાં. પોલીસે આ અંગેની જાણ ખાણ-ખનિજ વિભાગને કરી હતી અને વધુ કાયદેસરની કાર્યવાહી માટે બંને ટ્રેક્ટરને ખાણ-ખનિજ વિભાગને સુપરત કર્યા છે. 

Panchang

dd