નવી દિલ્હી, તા. 4 : પાંચ રાજ્યની વિધાનસભાની
ચૂંટણીનાં આજે પરિણામો જાહેર થયાં એમાં ભાજપની ભગવી લહેરમાં ત્રણ રાજ્યના સરકારની સાથે
મુખ્યપ્રધાનો પણ તણાઇ ગયા અને પોતાની સીટ ઉપર પણ ભૂંડી રીતે હાર્યા છે. બંગાળના મુખ્યમંત્રી
અને તૃણમૂલના સર્વેસર્વા મમતા બેનર્જી ભવાનીપુર બેઠક ઉપર ભાજપના ઉમેદવાર શુભેન્દુ અધિકારી
સામે 15 હજારથી વધુ મતથી હારી ગયા છે. શુભેન્દુએ દીદીનું ભવિષ્ય
ભાખતાં અગાઉથી જ કહ્યું હતું કે, ગયા વખતની જેમ આ વખતે પણ હું દીદીને 15 હજાર મતથી પરાજિત કરીશ. શુભેન્દુએ ભવિષ્ય ભાખેલું એ
સાચું પડયું છે. આ સાથે જ દીદીના પ્રધાનમંડળના 13 સાથી પ્રધાન પણ ઘરભેગા થઇ ગયા છે. તામિલનાડુના મુખ્યપ્રધાન એમ.કે. સ્ટાલિનની
પાર્ટી ડીએમકે અભિનેતા થલપતિ જોસેફ વિજયની નવી પાર્ટી ટીવીકે સામે પરાસ્ત થઇ એ સાથે
સ્ટાલિન પણ કોલાથુર બેઠક ઉપર ટીવીકેના ઉમેદવાર અને સ્ટાલિનના જ પૂર્વ સાથી બીએસ બાબુ
સામે આઠ હજારથી વધુ મતે હારી ગયા છે. સ્ટાલિને પણ બંગાળમાં દીદીની જેમ તામિલનાડુમાં
પોતાની સીટ ગુમાવવા સાથે સરકાર ગુમાવી છે.
કેરલમ્માં ડાબેરી પક્ષની એલડીએફની સરકાર કોંગ્રેસની આગેવાની હેઠળના યુડીએફ સામે
હારી ચૂકી છે, ત્યાં પણ ધર્મદમ
સીટ ઉપર હાલના મુખ્યપ્રધાન પિનારાઇ વિજયન હારી ગયા છે.