નવી દિલ્હી/અમદાવાદ, તા. 21 (અમારા પ્રતિનિધિ
તરફથી) : ધોરણ 12 સાયન્સ પછીના મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદ અને
હોમિયોપેથી સહિતના સ્નાતક કક્ષાના કોર્સમાં પ્રવેશ મેળવવા માટેની રાષ્ટ્રીય કક્ષાની
પાત્રતા પરીક્ષા નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રસ ટેસ્ટ (નીટ-યુજી 2026) રાજ્ય સહિત દેશમાં રવિવારે
એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થતાં નેશનલ ટેસ્ટિંગ એજન્સી સહિતનાં તંત્રોએ હાશકારો
અનુભવ્યો હતો. અગાઉ આ પરીક્ષા ગત 3 મેના આયોજિત કરવામાં આવી હતી,
પરંતુ પેપર લીકની ગંભીર ઘટના પ્રકાશમાં આવ્યા બાદ પરીક્ષા રદ કરાઈ હતી.
ત્યારબાદ રવિવારે 21 જૂનના રિ-નીટ
પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. આજના પેપરમાં ફિઝિક્સ અઘરું હતું જ્યારે કેમેસ્ટ્રી
મોડરેટ હોવાનું છાત્રોએ જણાવ્યું હતું. નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા દેશભરમાં હાથ
ધરાયેલી રિ-નીટ પરીક્ષામાં આશરે 22.79 લાખ વિદ્યાર્થીઓએ
નોંધણી કરાવી હતી. ગુજરાતભરમાંથી 78,800થી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. બપોરે 1.30 વાગ્યા સુધી વિદ્યાર્થીઓનું
ફ્રિસ્કિંગ કરી તેમને પ્રવેશ અપાયો હતો. ત્યારબાદ બે વાગ્યાથી પરીક્ષાનો પ્રારંભ થયો
હતો અને સાંજે પાંચ વાગ્યે પરીક્ષા પૂર્ણ થઈ હતી. આ વખતે સૌપ્રથમ વખત પરીક્ષામાં 15 મિનિટનો વધુ સમય અપાતાં સવા
ત્રણ કલાક પરીક્ષા ચાલી હતી. દેશમાં 551 શહેરમાં 5440 કેન્દ્ર અને વિદેશમાં 14 કેન્દ્ર પર આ પરીક્ષાનું આયોજન
કરવામાં આવ્યું હતું. પુન: પરીક્ષામાં આશરે 22 લાખથી વધુ વિદ્યાર્થી બેસવાના હતા. કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર
પ્રધાને દિલ્હીના ઓખલા સ્થિત એનટીએ મુખ્યાલયે રિ-નીટ (યુજી)ના સરળ સંચાલન માટેની વ્યવસ્થાની
સમીક્ષા કરી હતી.વિદ્યાર્થીઓના મતે બાયોલોજીના પ્રશ્નો બિલકુલ અઘરા પૂછવામાં આવ્યા
ન હતા.ગોટાળાઓની ગત ઘટનામાંથી પાઠ ભણીને આ વખતે પરીક્ષા પ્રક્રિયાને લઈને વહીવટી તંત્ર
દ્વારા અત્યંત ચુસ્ત અને કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો હતો. નીટના આયોજન માટે આઈજીપી
કાયદો અને વ્યવસ્થાના મકરંદ ચૌહાણને નોડલ ઓફિસર નિયુક્ત કરાયા હતા. ગુજરાતમાં રિ-નીટ
માટે નોંધાયેલા 79,190 વિદ્યાર્થીઓ
પૈકી 78,800થી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા
આપી હતી. 300 જેટલા વિદ્યાર્થીઓ ગેરહાજર
રહ્યા હોવાનું જણાયું હતું. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર સહિતના રાજ્યના 31 શહેરોમાં 211 કેન્દ્ર ખાતે
રિ-નીટ-યુજી યોજાઈ હતી. અમદાવાદમાં કુલ 23 પરીક્ષા કેન્દ્રો હતાં જેમાં 10,445 વિદ્યાર્થીઓ પરીક્ષામાં હાજર
હતા. સુરતમાં 22 કેન્દ્રો ખાતે 10 હજારથી વધુ વિદ્યાર્થીઓ હતા.
રાજ્યભરમાં સ્થાનિક પોલીસ ઉપરાંત સીઆઈએસએફના જવાનોને પણ તૈનાત કરાયા હતા. દરેક પરીક્ષા
કેન્દ્ર પર ડેપ્યુટી કલેક્ટર નિરીક્ષણ માટે હાજર રહ્યા હતા. એનટીએએ પરીક્ષાના બે દિવસ
અગાઉ વિદ્યાર્થીઓને બાયોમેટ્રિકને લઈને રાહત આપી હતી. કોઈ વિદ્યાર્થીને બાયોમેટ્રિકમાં
સમસ્યા થાય તો અંડરટાકિંગ ફોર્મ ભરીને પણ પરીક્ષામાં બેસવાની છૂટ અપાઈ હતી.