• સોમવાર, 22 જૂન, 2026

ભુજની નાયબ ચેરિટી કમિશનરની કચેરીમાં વ્યાપક ગેરરીતિની ફરિયાદ

ભુજ, તા. 21 : શહેરની નાયબ ચેરિટી કમિશનરની કચેરીમાં તત્કાલીન બેન્ચ ક્લાર્ક તરીકે ફરજ બજાવતા વિનોદકુમાર અમૃતલાલ પરમારે પોતાની સરકારી સત્તા અને હોદાનો દુરુપયોગ કરીને ટ્રસ્ટ રજિસ્ટ્રેશન સહિતના દસ્તાવેજોમાં વ્યાપક ગેરરીતિઓ આચરી હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ મામલે નાયબ ચેરિટી કમિશનર અનિલકુમાર ઈશ્વરદાન ગઢવીએ ભુજ શહેર એ-ડિવિઝન પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ  મુજબ આરોપી વિનોદકુમાર પરમાર મે-2020થી લઈને 16 માર્ચ, 2026 સુધી બેન્ચ ક્લાર્ક તરીકે ફરજ બજાવતા હતા. તે દરમિયાન તેમણે અધિકારીઓની જાણ બહાર અનેક ટ્રસ્ટોના દસ્તાવેજોમાં બનાવટી સહીઓ કરીને અને કચેરીની સત્તાવાર સીલનો ઉપયોગ કરીને અરજદારોને ખોટા પ્રમાણપત્રો દીધા હતા. તપાસ દરમિયાન સામે આવ્યું કે આરોપીએ માત્ર દસ્તાવેજો જ બનાવટી બનાવ્યા નહોતા, પરંતુ કૌભાંડ છુપાવવા માટે કચેરીના `બી', '', 'ડી' અને '' કેટેગરીના દાખલા બુકમાંથી ઓફિસ કોપીઓ પણ ગાયબ કરી હતી. જેના કારણે મૂળ રેકોર્ડની  ચકાસણી કરવામાં મુશ્કેલી  ઉભી થઈ હતી. આ ઉપરાંત અરજદારો પાસેથી ખરી નકલ - અને અન્ય પ્રક્રિયાના નામે નાણાં વસૂલવામાં આવ્યા હોવા  છતાં તે સરકારી તિજોરીમાં જમા કરવામાં આવ્યા ન હતા અથવા ઓછી રકમ દર્શાવીને - સરકારી આવકને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું.  આરોપીએ અધિક્ષક અને નકલ – કારકુનની બનાવટી સહીઓ  કરીને સત્તાવાર પ્રમાણપત્રો પણ ઇશ્યુ કર્યા હોવાનું સામે આવ્યું છે.  તપાસમાં અનેક ટ્રસ્ટોના નામ સામે આવ્યા છે, જેમાં ધી સંધી નોડે મુસ્લિમ સમાજ એજ્યુકેશન એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ, શ્રી કલા જતન વિરાણી મોટી ટ્રસ્ટ, વાંકલકૃપા ગૌશાળા ટ્રસ્ટ, શ્રી મેલડીમાં સેવા ટ્રસ્ટનો સમાવેશ થાય છે. આ ટ્રસ્ટોના અરજદારો પાસેથી રકમ લેવામાં આવી હોવાના પુરાવા પણ પોલીસને મળ્યા છે. શ્રી મેલડીમાં સેવા ટ્રસ્ટના કિસ્સામાં અરજદારે વહીવટી પ્રક્રિયાના નામે રૂ. 25 હજાર રોકડા આરોપીને આપ્યા હોવાનું કબૂલ્યું છે. જ્યારે સૈવી એજયુકેશન ફાઉન્ડેશન અને માનવ રચના ફાઉન્ડેશનના કેસમાં વકીલની ફીના નામે રૂ. 5 હજાર આરોપીના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હોવાનું પણ સામે આવ્યું છે. પોલીસે  ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.  

Panchang

dd