• સોમવાર, 22 જૂન, 2026

મુંબઇમાં મેઘમહેર; ચોમાસું ફરી સક્રિય થયું

મુંબઇ, તા. 21 : આખરે મુંબઇ પર મેઘમહેર થતાં 12 દિવસથી દેશમાં થંભી ગયેલું ચોમાસું રવિવારથી ફરી સક્રિય થયું છે. મહાનગરના અનેક ભાગોમાં આજે મોસમનો પહેલો અને સારો વરસાદ થતાં લોકોએ ઉકળાટમાં રાહત અનુભવી હતી. મુંબઇમાં થયેલા વરસાદનું એક મોટું કારણ પશ્ચિમી ઘાટમાં બનતાં વાદળ છે. અરબી સમુદ્રથી આવતી ભેજવાળી હવાઓ પશ્ચિમી ઘાટના પહાડો સાથે ટકરાયા પછી ઉપર જઇને ઠંડી થઇ જાય છે અને ગાઢ વાદળોમાં ફેરવાય છે. ચાલુ મહિનાની શરૂઆતમાં ચોમાસું દક્ષિણ કોંકણ પહોંચ્યું હતું, પરંતુ આઠમી જૂનથી સોલાપુર પાસે અટકી ગયું હતું. દેશના મોસમ વિજ્ઞાન વિભાગે કહી જ દીધું છે કે, 23મી જૂનની આસપાસ દક્ષિણ-પશ્ચિમ ચોમાસું મહારાષ્ટ્ર અને ત્યાંથી આગળ વધવા માટે પરિસ્થિતિ અનુકૂળ થઇ રહી છે. દેશના મોટા ભાગના વિસ્તારોમાં પ્રિ-મોન્સૂન સક્રિય છે તેમ છતાં આઠ રાજ્યોમાં તાપમાન 40 ડિગ્રીથી ઊંચું છે. ઉત્તરપ્રદેશનું બાંદા 44.2 ડિગ્રી સેલ્સિયસ સાથે દેશનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. ગુજરાત સહિત તપતાં રાજ્યો વરસાદ ઝંખી રહ્યાં છે. દેશના મોસમ વિજ્ઞાન વિભાગના વર્તારા મુજબ, આવતા મંગળવારથી ચોમાસું મહારાષ્ટ્ર, તેલંગાણા, ઓરિસ્સા, ઝારખંડ, બિહાર અને છત્તીસગઢમાં આગળ વધી શકે છે. આજે શનિવારથી 26મી જૂન દરમ્યાન મધ્યપ્રદેશ, વિદર્ભ અને છત્તીસગઢમાં વરસાદ થઇ શકે છે. હજુ થોડાક દિવસ પહેલાં જ વાદળો દેશમાં ગાયબ હતાં, જ્યારે હવે ઉપગ્રહ તસવીરોમાં વાદળોનો દાયરો વધતો જોવા મળ્યો હતો. ચોમાસાં માટે દિલ્હીને જુલાઇનાં પહેલાં અઠવાડિયા સુધી રાહ જોવી પડે તેવી શક્યતા  છે. સામાન્ય રીતે રાજધાનીમાં 27 જૂન આસપાસ વરસાદ થતો હોય છે. 

Panchang

dd