માતાના મઢ, તા. 21 : કચ્છનાં પ્રસિદ્ધ તીર્થધામ
નારાયણ સરોવર સ્થિત સરોવરજીનું પાણી દૂષિત થતાં તેને ખાલી કરવાની કામગીરી આજે આરંભાઈ
હતી. આ કાર્યમાં જી.એમ.ડી.સી. નિગમ, પી.સી. પટેલ તથા મહાલક્ષ્મી કંપની સહભાગી બની છે. પુરુષોત્તમ માસમાં લાખોની
સંખ્યામાં ભક્તોએ ભગવાન ત્રિવિક્રમરાયજીના દર્શન કરી સરોવરની પૂજા અર્ચના કરી હતી.
વર્ષ 2020થી અવિરત સારા વરસાદના કારણે
સરોવરમાં પાણી છલોછલ ભરેલું હતું. આ કારણે શેવાળ તેમજ કમળના રોપાઓથી અર્ધ સરોવર ભરાયું
હતું અને કાદવ-કિચડનું પ્રમાણ વધી ગયું હતું. ભક્તોને સરોવરમાં સ્નાન તથા આચમન કરવામાં
તકલીફ પડતી હતી. તેના કારણે સ્થાનિક પ્રસાશન તથા નારાયણ સરોવર જાગીરના અધ્યક્ષા સોનલલાલજી
મહારાજે ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાને સરોવરની સફાઈનાં કાર્ય માટે રજૂઆત કરતાં તેમણે
જી.એમ.ડી.સી. તથા ઉપરોક્ત કંપનીઓ મારફતે સરોવરના આજે સફાઈ કાર્યનો પ્રારંભ કરાયો હતો.
કાદવ-કિચડયુક્ત પાણી ખાલી કરવાની યોજના છે ત્યારબાદ મેઘરાજાની કૃપાથી સરોવર સ્વચ્છ
પાણીથી ભરાશે. આ કાર્યમાં એમ.ડી.ઓ. ભભૂતિનાથ ઝા,
મહેશ પટેલ, સ્થાનિકના યોગરાજસિંહ રાણા,
મહેન્દ્ર ગોર, નયન જોશી સહિતના લોકો મોટા વોટર
પંપથી સરોવરમાંથી પાણી કાઢવામાં સહયોગી બન્યા હતા. આજે ધારાસભ્ય પી.એમ. જાડેજાએ સરોવરજીની
મુલાકાત લીધી હતી અને સફાઈ કાર્યને બિરદાવી હતી.