• સોમવાર, 22 જૂન, 2026

વાટાઘાટો વચ્ચે ઈરાનને ટ્રમ્પની ફરી ધમકી

નવી દિલ્હી, તા. 21 : અમેરિકા અને ઈરાન વચ્ચે સમજૂતી નક્કી થયા બાદ પહેલી વખત બન્ને દેશ વચ્ચે આમનેસામને વાતચીત થવા જઈ રહી છે. ઈરાનની ટીમ સ્વિત્ઝર્લેન્ડ પહોંચી ચૂકી છે તો અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ અને તેના સાથીદારો પણ સ્વિત્ઝર્લેન્ડ માટે રવાના થઈ ચૂક્યા હતા. વાટાઘાટો દરમ્યાન અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને હિઝબુલ્લાહને રોકવા તાકીદ કરી ચેતવણી આપી હતી કે, જો તેવું ન થયું તો અમેરિકા ફરીથી ઈરાન પર હુમલા શરૂ કરી દેશે. બીજી તરફ, ઈરાનના રાષ્ટ્રપતિ પેજેશ્કિયાને દાવો કર્યો હતો કે કતરમાં ફ્રીઝ કરવામાં આવેલા ઈરાનના છ અબજ ડોલર આ સમજૂતી હેઠળ પરત આપવામાં આવશે. અમેરિકાની એક મુખ્ય શરત છે કે, અમારી પાસે પરમાણું બોમ્બ ન હોવો જોઈએ. આ એ જ બાબત છે જેને અમારા શહીદ નેતા પણ વારંવાર કહેતા રહ્યા છે. આ અગાઉ લેબનોનમાં ઈઝરાયલના હુમલાનાં કારણે શાંતિવાર્તા ટાળવામાં આવી હતી. જાણકારોના કહેવા પ્રમાણે અમેરિકા ઈચ્છે છે કે, પહેલા તબક્કાની વાતચીતમાં ઈરાનમાં પરમાણુ સ્થળના નિરીક્ષણનો મુદ્દો ઉકેલવામાં આવે. અમેરિકા ઈચ્છે છે કે, ઈરાન અમેરિકી પ્રતિનિધિઓને એવા સ્થળે જવાની મંજૂરી આપે જ્યાં અમેરિકાએ બોમ્બમારો કર્યો હતો. તેના બદલામાં અમેરિકા ઈરાનનું છ અબજ ડોલરનું ફંડ રિલીઝ કરશે. અમેરિકા અને ઈરાન વચ્ચેની ડીલમાં વાતચીત માટે 60 દિવસનો સમય આપવામાં આવ્યો છે. જો કે, આ શાંતિવાર્તા ઉપર ઈઝરાયલ જોખમી બની રહ્યું છે. ઈઝરાયલ કહી ચૂક્યું છે કે, તે ડીલને માન્યતા આપતું નથી અને પોતાની સુરક્ષા માટે સ્વતંત્ર રીતે કાર્યવાહી કરી શકે છે. ઈઝરાયલે વાતચીત પહેલાં લેબેનોન ઉપર ફરીથી હુમલો પણ કર્યો હતો. જેમાં સાત લોકોનાં મૃત્યુ થયાં હતાં.  રવિવારે આયોજિત બેઠકમાં ભાગ લેવા માટે પાકિસ્તાની વડા પ્રધાન શાહબાઝ શરીફ અને સેના પ્રમુખ આસીમ મુનીર પણ પોતાનાં પ્રતિનિધિમંડળ સાથે પહોંચી ગયા હતા. આ દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ચેતવણી આપી હતી કે, સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં કોઈ ટોલ વસૂલવામાં ન આવે. આ સાથે એમ પણ કહ્યું હતું કે, જો ઈરાન સાથેની વાતચીતનું કોઈ પરિણામ નહીં આવે તો અમેરિકા રણનીતિક જળમાર્ગે પોતાનો ટોલ લાગુ કરશે.  

Panchang

dd