માંચેસ્ટર તા.21 : છેલ્લી ઓવર સુધીની રસાકસી બાદ મહિલા ટી-20 વિશ્વ કપમાં ભારતીય ટીમની દ.
આફ્રિકા સામે 6 વિકેટે હાર થઇ હતી. આથી ભારતની સેમિ ફાઇનલની
રાહ કઠિન બની છે. આફ્રિકા તરફથી મારિજાન કેપે ઓલરાઉન્ડ દેખાવ કર્યો હતો. તેણે 2 વિકેટ લીધી હતી અને બાદમાં 4પ દડામાં 7 ચોગ્ગા-4 છગ્ગાથી અણનમ 81 રનની મેચ વિનિંગ ઈનિંગ રમી હતી. કેપ અને તેજમનિ બિટસ (40) વચ્ચે ત્રીજી વિકેટમાં 97 રનની ભાગીદારી થઇ હતી. 159 રનનો વિજય લક્ષ્યાંક આફ્રિકી
મહિલા ટીમે 5 દડા બાકી રહેતા 4 વિકેટ ગુમાવી હાંસલ કરી લીધો હતો. ગ્રુપ
વનમાં ભારત અને આફ્રિકા 4-4 અંક સાથે
બરાબરી પર છે. સારા નેટ રન રેટને લીધે ભારતીય મહિલા ટીમ ઓસ્ટ્રેલિયા પછી બીજા સ્થાને
છે. અગાઉ ટોસ જીતી પ્રથમ દાવ લેનાર ભારતીય મહિલા ટીમના 20 ઓવરમાં 7 વિકેટે 158 રન થયા હતા. ભારતની કોઇ બેટર મોટી ઈનિંગ
રમી શકી ન હતી. શેફાલીએ પાવર પ્લેનો ફાયદો ઉઠાવીને 15 દડામાં 4 ચોગ્ગા-1 છગ્ગાથી 31 રનની ઝડપી ઈનિંગ રમી હતી. ઓલરાઉન્ડર
દીપ્તિ શર્માએ 29 અને કપ્તાન હરમનપ્રિત કૌરે
તેના રેકોર્ડબ્રેક 200મા ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં 24 રન કર્યાં હતા. સ્મૃતિ 17, જેમિમા 12, યાસ્તિકા 15 અને રીચા 15 રને આઉટ થયા હતા. આફ્રિકા મહિલા ટીમ તરફથી
મારિજાન કેપ અને શબનીમ ઇસ્લામે 2-2 વિકેટ લીધી
હતી.