• સોમવાર, 22 જૂન, 2026

ચુડવાના ગોદામમાંથી ચોરી કે છળકપટથી મેળવાયેલો બેસનનો જથ્થો જપ્ત

ગાંધીધામ, તા 21 : અહીંના ચુડવા જી.આઇ.ડી.સી.માં આવેલા એક ગોદામમાં એલ.સી. બી.એ કાર્યવાહી કરી ચોરી કે છળકપટથી મેળવાયેલ રૂા. 22,35, 450ના ચણાદાળ તથા ચણાના લોટની બોરીઓ સાથે બે શખ્સોને પકડી પાડયા હતા. રાજકોટના કુવાડવાથી અહીં આવેલી આ બોરીઓ પાછળ અન્ય કેટલા શખ્સો સંડોવાયેલા છે તે બહાર ન આવતા અનેક તર્ક વિતર્ક વહેતા થયાં છે. ચુડવા જી.આઇ.ડી.સી. પાસે આવેલા સુખસાગર ડોર નામના ગોદામમાં ચોરી કે છળકપટથી મેળવાયેલ ચણાની દાળનો જથ્થો ઉતર્યો હોવાની પૂર્વ બાતમીના આધારે એલ.સી.બી.એ કાર્યવાહી કરી હતી. અહીંથી ભારતનગરના વૈભવ અરવિંદ ગઢવી નામના શખ્સને ઝડપી લેવાયો હતો. ગોદામમાંથી વિનેશ પ્રિમિયમ પલ્સેસ ચણા દાળ 30 કે.જી. મેન્યુફેકચર થાય વિંગ્સ એગ્રો પ્રા.લિ. શાપર, કોટડા સાંધાણી રાજકોટ લખેલી ચણાની દાળની 700 બોરીઓ તથા પ્યોર એન્ડ નેચરલ ગોલ્ડી બેસન 30 કે.જી. મેન્યુફેકચર બાય વિંગ્સ એગ્રો. પ્રા. લિમિટેડ લખેલ બેસનના 35 કટ્ટા મળી આવ્યા હતા આ મુદ્માલ અંગે પૂછપરછ કરાતા પકડાયેલો વૈભવ પોતે હર્ષદ કિશોર મંગે (ભાનુશાળી) સાથે નોકરી કરતો હોવાનું જણાવ્યું હતું. અને થોડીવારમાં આ હર્ષદ ભાનુશાળી આવતા તેને પણ ઝડપી લેવાયો હતો. રાજકોટનાં કુવાડવાથી આ માલ મુંબઇ જવાનો હતો. પરંતુ ટ્રકચાલકે અહીં બોલાવી ગત રાત્રે ચારેક શખ્સો સાથે રહી મજુરો થકી આ માલ અહીં ઉતારી લીધો હતો. અને અંજારનાં કોઇ મિતેશ તથા અન્ય એક શખ્સે સેટીંગ કરી હોવાનું પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું. આ ગોદામ કોનેં છે ? તેણે ભાડે રાખનાર પાસેથી કેટલા રૂપિયા લીધા હતા ? તેને ચોરી કે છળકપટના માલની જાણ હતી કે કેમ ? તે સહિતની વિગતો બહાર આવી નથી. પકડાયેલા વૈભવ તથા હર્ષદ કિશોર મંગે પાસેથી હાલમાં રૂા. 22,35,450નો ચોરીકે છળકપટથી મેળવાયેલો આ જથ્થો જપ્ત કરાયો છે અને આગળની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે. 

Panchang

dd