અમદાવાદ, તા. 8 : વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર
મોદી સ્ટેડિયમમાં ત્રિરંગો શાનથી લહેરાયો છે. ટી-20 ક્રિકેટની વિશ્વગુરુ એવી ટીમ ઈન્ડિયાએ આજે અહીં વર્લ્ડકપની ફાઈનલમાં
ન્યૂઝીલેન્ડ પર 96 રને ભવ્ય
વિજય મેળવીને ઈતિહાસ રચી દીધો છે. ભારતીય ટીમ 20 ઓવરના વિશ્વકપમાં ત્રણવાર ચેમ્પિયન થનારી અને વર્લ્ડકપ જાળવી
રાખનારી પ્રથમ ટીમ બની છે. સાથે જ યજમાન ટીમ પણ પહેલીવાર ચેમ્પિયન બની છે. સળંગ ત્રીજી
મેચમાં અફલાતૂન બેટિંગ કરનારા સંજુ સેમસનના 46 દડામાં ધુંઆધાર 89, અભિષેક શર્માના માત્ર 21 દડામાં ઝંઝાવતી બાવન રન અને ઈશાન કિશનના 25 દડામાં વિસ્ફોટક 54 રનની મદદથી સૂર્યસેનાએ ટી-20 વર્લ્ડકપમાં 255 રનનો સૌથી મોટો સ્કોર ખડો કર્યા
બાદ વર્તમાન સમયના શ્રેષ્ઠ બોલર પ્લેયર ઓફ ધ મેચ જસપ્રીત બુમરાહ (15 રનમાં 4 વિ.) અને અક્ષર પટેલ (27 રનમાં 3 વિ.)ની ચતુર-ચુસ્ત બોલિંગ સામે કિવીઝ ટીમ
19 ઓવરમાં 159 રનમાં સમેટાઈ ગઈ હતી. ભારત
ફરી એકવાર વિશ્વવિજેતા બનતાં દેશભરમાં દિવાળી જેવા જશ્નનો માહોલ સર્જાયો હતો અને રમતપ્રેમીઓ
ખુશખુશાલ થઈ ગયા હતા. આઇસીસી ટૂર્નામેન્ટમાં ટીમ ઇન્ડિયાનો આ આઠમો ખિતાબ છે. બુમરાહ
પ્લેયર ઓફ ફાઇનલ બન્યો હતો, જ્યારે સંજુ
સેમસન પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ જાહેર થયો હતો. તેના નામે કુલ 321 રન રહ્યા હતા. તેણે સેમિ અને
ફાઇનલમાં અર્ધસદી કરી મેચ વિનિંગ રમી હતી. 256 રનના વિજય લક્ષ્યાંકનો પીછો કરતાં ન્યૂઝીલેન્ડ ટીમનો પ્રારંભથી
જ ધબડકો શરૂ થયો હતો. ન્યૂઝીલેન્ડને ત્રીજી
ઓવરમાં પહેલો ઝટકો ફિન એલનના સ્વરૂપમાં મળ્યો હતો. અક્ષર પટેલની ઓવરમાં મોટો ફટકો લગાવવાની
કોશિશમાં રહેલો ફિન એલન કેચઆઉટ થયો હતો અને 9 રને પરત ફર્યો હતો. જ્યારે બુમરાહએ ઓવરના પહેલા જ દડામાં રચિન
રવીન્દ્રને પેવેલિયન મોકલ્યો હતો. તે માત્ર એક જ રન બનાવી શક્યો હતો. જ્યારે પાંચમી
ઓવરમાં ફરી અક્ષર પટેલે ગ્લેન ફિલિપ્સને ક્લીન બોલ્ડ કર્યો હતો. ગ્લેન માત્ર પાંચ રન
બનાવી શક્યો હતો. ન્યૂઝીલેન્ડે પાવરપ્લેમાં બાવન રન બનાવ્યા હતા. ટીમ સાઇફર્ટે 23 દડામાં અર્ધસદી ફટકારી હતી
અને વરુણ ચક્રવર્તીની ઓવરમાં કેચઆઉટ થયો હતો. 13મી ઓવરમાં ન્યૂઝીલેન્ડની છઠ્ઠી વિકેટ ડેરિલ મિચેલના રૂપમાં મળી
હતી. અક્ષરના દડામાં તે ઇશાનને કેચ આપી બેઠો હતો. પાવરપ્લેમાં કિવીઝ ટીમે બાવન રનમાં
3 વિકેટ ગુમાવી ભારત માટે વિજય મંચ તૈયારી
કરી આપ્યો હતો. આ પછી સમયાંતરે વિકેટ ગુમાવી હતી. ઓપનર ટીમ સાઈફર્ટે સૌથી વધુ બાવન
રન કર્યા હતા, જ્યારે કેપ્ટન મિચેલ સેન્ટનરે
43 રન કરી હારનું અંતર ઓછું કર્યું
હતું. બુમરાહની ચાર અને અક્ષરની ત્રણ વિકેટ ઉપરાંત હાર્દિક, વરુણ અને અભિષેકને 1-1 વિકેટ મળી હતી.