વોશિંગ્ટન, તા. 8 : અમેરિકામાં બે કદાવર નેતા વચ્ચે
હાઇપ્રોફાઇલ ઘર્ષણ વકરતું જાય છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે કહી દીધું હતું
કે, એલન મસ્ક સાથે મારા સંબંધ હવે ખતમ થઇ ગયા છે. એટલું જ નહીં,
પરંતુ ટ્રમ્પે મસ્કને ચેતવણી પણ આપી હતી કે, ડેમોક્રેટ્સને
સાથ આપશે તો તેમને તેના ગંભીર પરિણામ ભોગવવાં
પડશે. `બિગ બ્યૂટીફૂલ બિલ' તરીકે ઓળખાતા વિદેશોથી મોકલાતા પૈસા પર સાડા
ત્રણ ટકા વેરા ઝીંકવાના પ્રસ્તાવવાળા વિધેયકના મુદ્દે બંને વચ્ચે ઘર્ષણ છે. ટ્રમ્પ
આ ખરડાના પક્ષમાં છે, તો મસ્ક વિરોધ કરે છે. ટ્રમ્પનો દાવો છે
કે, દેશભક્તિથી ભરેલો આ કાયદો પસાર થવાથી અમેરિકામાં રોકાણ વધશે અને ચીન પર આધાર રાખવાનું
પ્રમાણ ઘટશે. મસ્ક તેને વ્યર્થ ખર્ચથી ભરેલો ખરડો માને છે. અહેવાલો અનુસાર આ ખરડો પસાર
થતો રોકવા માટે મસ્કે રિપબ્લિકન પાર્ટીના ત્રણ સાંસદને પોતાની તરફ ખેંચી લીધા છે. એટલું
જ નહીં, પરંતુ મસ્કે એવી ચેતવણી આપી હતી કે, આ ખર્ચાળ ખરડાનું સમર્થન કરનાર જે પણ હશે તે સાંસદો વિરુદ્ધ 2026ની ચૂંટણીમાં મતદાન કરાશે.
આમ, હવે મસ્ક ટ્રમ્પના વિધેયકના માર્ગ પર મોટું
વિઘ્ન સર્જતા દેખાય છે. જેના કારણે અમેરિકાના રાષ્ટ્રપતિએ મસ્ક સાથે સંબંધ ખતમ થઇ ગયા છે, તેવી ઘોષણા કરી હતી.