• ગુરુવાર, 01 મે, 2025

100 કલાકમાં ગુંડા તત્ત્વોની યાદી બનાવો....

અમદાવાદ, તા. 15 (અમારા પ્રતિનિધિ તરફથી) : રાજ્યભરમાં ગુંડાઓના વધતા ત્રાસ અને વત્રાલકાંડ તથા વડોદરાના અકસ્માત બાદ રાજ્યના પોલીસવડા વિકાસ સહાયે તમામ પોલીસ કમિશનર, રેન્જ વડા અને પોલીસ અધીક્ષક સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી તાકીદની બેઠક યોજી હતી, જેમાં આગામી 100 કલાકની અંદર રાજ્યના પ્રત્યેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અસામાજિક ગુંડા તત્ત્વોની યાદી તૈયાર કરવા કડક સૂચના આપવામાં આવી છે.  લોકોમાં રોષ વચ્ચે રાજ્યમાં અસામાજિક ગુંડા તત્ત્વો સામે કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવા માટે લેવાયેલા આ નિર્ણયનું તાત્કાલિક અમલીકરણ કરવા આદેશ કરવામાં આવ્યા છે. આ અસામાજિક તત્ત્વોની યાદીમાં કેવા તત્ત્વોનો સમાવેશ કરવો તે અંગે પણ સ્પષ્ટતા  કરવામાં આવી છે. વારંવાર શરીર સંબંધી  ગુનાઓમાં સંકળાયેલા વ્યક્તિઓ, ખંડણી ઊઘરાવવા, ધાક-ધમકી આપવાના ગુનાઓમાં સંડોવાયેલી વ્યક્તિઓ, મિલકત સામેના ગુનાઓ આચરનારા, પ્રોહિબિશન અને જુગારનો ગેરકાયદેસર ધંધો કરનારા તત્ત્વો, ખનિજચોરી જેવા ગુનાઓમાં સંકળાયેલા તથા અન્ય અસામાજિક કૃત્યો દ્વારા જનતામાં ભય ફેલાવનારા તત્ત્વોને આ યાદીમાં સમાવવા આદેશ કરાયા છે.  રાજ્યના પોલીસવડા  વિકાસ સહાયે આ યાદી તૈયાર થયા બાદ સ્થાનિક વહીવટી તંત્ર સાથે સંકલન કરી કેવા પ્રકારની કડક કાર્યવાહી કરવાની રહેશે તે અંગે પણ સ્પષ્ટતાપૂર્વક સૂચનાઓ આપી છે, જેમાં આ તત્ત્વોએ ગેરકાયદેસર બાંધકામ કરેલું હોય તો તેવા બાંધકામને દૂર કરવા સ્થાનિક સંસ્થાઓ સાથે સંકલન કરી જરૂરી કાર્યવાહી કરવા, સરકારી જમીન ઉપર દબાણ કરેલું હોય તો કાયદેસરની કાર્યવાહી કરવા, ગેરકાયદેસર વીજ કનેક્શન ધ્યાને આવે તો ઋઞટગક સાથે સંકલનમાં રહી કાયદેસરની કાર્યવાહી કરવી, આવા તત્ત્વોના બેન્ક એકાઉન્ટની ચકાસણી કરી નાણાકીય વ્યવહારમાં કોઇ ગેરકાયદેસરનું કૃત્ય જણાય આવે, તો જરૂરી કાર્યવાહી કરવા કડક સૂચનાઓ આપવામાં આવી છે, તે ઉપરાંત આવા તત્ત્વો સામે દાખલ થયેલા ગુનાઓમાં જામીન ઉપર છૂટયા પછી અન્ય કોઇ ગેરકાયદેસર કૃત્યમાં પકડાયેલા હોય તો જામીન રદ કરવા જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપી છે તેમજ પાસા અને તડીપાર જેવી અસરકારક જોગવાઇઓનો ઉપયોગ કરવા સહિત ભાડૂઆત અંગેનું રજિસ્ટ્રેશન ન કર્યું હોય તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા સૂચનાઓ આપી છે.  રાજ્યના પોલીસવડા  વિકાસ સહાયે તમામ પોલીસ કમિશનર, રેન્જ વડા અને પોલીસ અધીક્ષકને આ સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા અને અંગત ધ્યાન આપી જરૂરી કાર્યવાહી કરવા આદેશ આપ્યા છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd