નવી દિલ્હી, તા. 9 : લાંબા સમયથી
હિંસાગ્રસ્ત રાજ્ય મણિપુરમાં આજે નાટકીય ઢબે રાજકીય હિલચાલ તેજ થઈ ગઈ હતી. મુખ્યમંત્રી
એન. બીરેનસિંહે પોતાની સામે વિધાનસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ થાય, તે પહેલાં જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે
મુલાકાત પછી થોડા સમયમાં જ આજે પોતાનાં પદ ઉપરથી રાજીનામુ આપી દીધું હતું. તેમનાં રાજીનામા
વચ્ચે ગૃહ મંત્રાલયે તમામ સુરક્ષા એજન્સીઓને મણિપુરમાં હાઈએલર્ટ કરી દીધી હતી. રાજ્યપાલને
સેંપેલા પત્રમાં બીરેનસિંહે લોકોની સેવા કરવા મળી તેને સન્માનની વાત ગણાવી હતી. એન.બીરેનસિંહ
સામે આવતીકાલે વિધાનસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ થવાનો હતો અને તે પહેલાં જ તેમણે
રાજીનામું ધરી દીધું છે. ભાજપના ધારાસભ્યોમાં ઘણાં સમયથી બીરેનસિંહ સામે નારાજગી હતી.
મણિપુરમાં ભાજપના 19 ધારાસભ્યએ
ગત વર્ષે ઓક્ટોબર માસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને બીરેનસિંહને મુખ્યમંત્રી
પદેથી હટાવવાની માગણી પણ કરી હતી. તેમની સામે મોરચો માંડનાર ધારાસભ્યો વિધાનસભાના અધ્યક્ષ
થોકચોમ સત્યવ્રતસિંહ, મંત્રી થોંગમ
વિશ્વજીતસિંહ અને યુમનામ ખેમચંદસિંહ પણ સામેલ હતા. રાજ્યમાં લાંબા સમયથી ચાલતી જાતીય
હિંસા મુદ્દે બીરેનસિંહ સામે સખત રોષ ભભૂકી રહ્યો હતો. નારાજ ધારાસભ્યોએઁ પત્ર લખ્યો
તે પહેલાં બીરેનસિંહે મુખ્યમંત્રી પદ છોડવાનો સાફ ઈનકાર પણ કરી દીધો હતો. જો કે,
વિપક્ષ સતત તેમને નિશાન બનાવી રહ્યો હતો. બીરેનસિંહ સામે કુકી સંગઠને
જાતીય હિંસામાં મૈતઈ સમુદાયની તરફદારી કરવાનો આરોપ પણ લગાવેલો. આ હિંસાનો મુદ્દો સંસદમાં
પણ સતત ગુંજી રહ્યો છે. વિપક્ષ તેમની સામે
અવિશ્વાસનો પ્રસ્તાવ લાવે, તે પહેલાં જ તેમણે રાજીનામું આપી દેતા
કોંગ્રેસે કહ્યું હતું કે, બીરેનસિંહને બે વર્ષ પહેલાં જ મુખ્યમંત્રી
પદેથી હટાવવાની જરૂર હતી. કોંગ્રેસના નેતા આલોક શર્માએ કહ્યું હતું કે, દેશ તેમને ક્યારેય માફ નહીં કરે. મણિપુરમાં વિધાયકોનો અંતરાત્મા જાગ્યા પછી
તેમણે મજબૂરીમાં રાજીનામું આપવું પડયું છે. બીરેનસિંહે આજે દિલ્હીમાં ગૃહમંત્રી અમિત
શાહ સાથે મુલાકાત કરી હતી અને ત્યારબાદ સાંજે રાજીનામું આપ્યું હતું તેમણે રાજભવનમાં
રાજ્યપાલ અજયકુમાર ભલ્લાને પોતાનું રાજીનામું આપ્યું હતું. તેમની સાથે પ્રદેશ ભાજપ
પ્રમુખ એ.શારદા, ભાજપના મણિપુર પ્રભારી સંબિત પાત્રા અને 19 વિધાયક પણ હતા. કહેવાય છે કે, હવે થોડીવારમાં જ વિધાયક દળની બેઠક યોજાશે અને
તેમાં ગૃહના નવા નેતાને ચૂંટવામાં આવશે.