• શનિવાર, 10 ઑક્ટોબર, 2026

કચ્છમાં બેફામ ગતિ-ઓવરલોડના દૂષણનો આતંક

ભુજ, તા. 9 : પૂર્વ અને પશ્ચિમ કચ્છમાં ઉદ્યોગોનો કૂદકે ને ભૂસકે થયેલો વિકાસ હવે સામાન્ય માનવી માટે જીવલેણ સાબિત થઇ રહ્યો છે. ઔદ્યોગિક ક્રાંતિની સાથે માલસામાનની હેરફેર માટે રસ્તાઓ પર વાહનોની ભારે ચહલપહલ વધી છે, પરંતુ વિકાસની આ અંધાધૂંધ દોડમાં કોણ વહેલું પહોંચે તેની એવી હુંસાતુંસી  જામી છે કે, રસ્તાઓ પર દરરોજ મોતનું તાંડવ ખેલાઇ રહ્યું છે. ગંતવ્ય સ્થાને માલસામાન વહેલો પહોંચાડી દેવાની લહાયમાં તોતિંગ વાહનોના ચાલકો બેફામ ગતિએ વાહનો દોડાવે છે, જેના કારણે નિર્દોષ લોકો કાળનો કોળિયો બની રહ્યા છે. મોટા વાહનોના ચાલકો પાસે કલાકો સુધી સતત ડ્રાઇવિંગ કરાવવામાં આવે છે. પૂરતી ઊંઘ, આરામના અભાવે તેમજ સમયસર માલ પહોંચાડવાના ભારે માનસિક દબાણ હેઠળ આ ડ્રાઇવરો રસ્તા પર સ્પીડની તમામ મર્યાદાઓ નેવે મૂકી દેતા હોવાની ફરિયાદો છે. તીવ્ર ગતિ અને ક્ષમતા કરતાં બમણો ભરેલો ઓવરલોડ માલસામાન આ બે દૂષણોનાં કારણે દરરોજ નાના-મોટા અકસ્માતો સર્જાવાનું સામાન્ય બની ગયું છે. આ લોહિયાળ રમતમાં ક્યારેક તોતિંગ વાહનોના ચાલકો પોતે જીવ ગુમાવે છે, તો ક્યારેક રસ્તેથી પસાર થતા નાના વાહનચાલકો, રાહદારીઓ પણ પળવારમાં કાળનો કોળિયો બને છે. ગંભીર પ્રશ્ન એ ઊભો થાય છે કે, નિર્દોષ લોકોનું લોહી  રેડાઇ રહ્યું છે, છતાં પણ જવાબદાર તંત્રો આંખ આડા કાન કરીને કેમ બેઠા છે ? ઓવરલોડ વાહનો ખુલ્લેઆમ દોડે છે છતાં આરટીઓ કે ટ્રાફિક પોલીસનું કડક ચેકિંગ થતું હોય તેવું જણાતું નથી. જેના કારણે ધોરીમાર્ગ પર મોતના સોદાગરો બેફામ બન્યા છે. તીવ્ર ગતિ અને ઓવરલોડનાં દૂષણને નાથવા તંત્ર હજુ કેટલાનો ભોગ લેવાય પછી જાગશે તે સહિતના પ્રશ્નો બહાર આવ્યા હતા. સમયસર કડક પગલાં નહીં લેવાય તો કચ્છના ધોરીમાર્ગ પરથી પસાર થવું એટલે સીધું મોતને આમંત્રણ આપવા સમાન બની રહેશે તેમાં બે મત નથી. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd