ભુજ, તા. 9 : શહેરના મહાદેવ નાકે ગાંધીજીની
પ્રતિમા સામે હમીરસર કિનારાની ફૂટપાથ પર હટાવાયા બાદ ફરી ઊભેલા લારી-ગલ્લાના ધંધાર્થીઓને
સમજાવવા ગયેલા ભુજ નગરપાલિકાની દબાણહટાવ શાખાના કર્મીઓ સાથે ચકમક ઝરતાં મોટી સંખ્યામાં
લોકો ટોળે વળ્યા હતા. ભુજમાં છેલ્લા થોડા સમયથી લારી-ગલ્લારૂપી દબાણકારો સામે સુધરાઈએ
નોંધપાત્ર કામગીરી કરી દબાણો દૂર કર્યા હતા, પણ ધંધાર્થીઓ ધીરે-ધીરે મૂળ જગ્યાએ ફરી ગોઠવાઈ રહ્યા છે. આ બાબત ધ્યાને લઈ
સુધરાઈના મુખ્ય અધિકારીએ ઓફ્રેડ હાઈસ્કૂલ સામેના ભાગે ઊભેલા લારી-ગલ્લાધારકોને સમજાવટપૂર્વક
સ્થળ ખાલી કરવા ટીમને મોકલી હતી, પરંતુ અમુક ધંધાર્થીઓએ સ્થળ
પરથી ન હટવાની જીદ સાથે કર્મીઓની સામે થઈ પહેલાં અન્ય ધંધાર્થીઓને હટાવવા જણાવ્યું
હતું. મામલો બિચકાતાં અમુક ધંધાર્થીઓએ કર્મીઓને અપશબ્દો કહ્યા હોવાનું પણ સૂત્રોએ જણાવ્યું
હતું. અંતે સુધરાઈના કર્મીઓએ એ-ડિવિઝન પોલીસમાં જાણ કરતાં ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી
આવી મોરચો સંભાળી લેતાં ટોળું વિખેરાઈ ગયું હતું.