રમેશ ગઢવી દ્વારા : કાઠડા (તા. માંડવી), તા. 9 : શક્તિ આરાધનાના સૌથી મોટા પર્વ નવરાત્રિ દરમિયાન માઈભક્તો દ્વારા
વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજી માતાજીની આરાધના કરવામાં આવે છે. જો કે, માંડવી તાલુકાના કાઠડા ગામે નવરાત્રિની ઉજવણી
માત્ર ગરબા કે ધાર્મિક કાર્યક્રમો પૂરતી સીમિત નથી. અહીં 88 વર્ષથી ચાલી આવતી અનોખી પરંપરા
મુજબ સામાજિક, ઐતિહાસિક અને ધાર્મિક નાટકોનું
મંચન કરી નવી પેઢીને આપણી સંસ્કૃતિ અને ઇતિહાસ સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવે છે. આજે આધુનિકતાના યુગમાં મોબાઇલ અને સોશિયલ મીડિયાના
વધતા પ્રભાવ વચ્ચે નવી પેઢી પોતાના ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસાથી દૂર ન થઈ જાય તે
માટે કાઠડાનો આવડ ચોક આગવી ભૂમિકા ભજવી રહ્યો છે. નવરાત્રિ દરમિયાન અહીં યોજાતાં નાટકો
માત્ર મનોરંજન પૂરતાં નથી, પરંતુ સામાજિક મૂલ્યોનો પરિચય કરાવે
છે. - ત્રણ મહિનાથી તૈયારીઓ : આ નાટકોની
તૈયારીઓ માટે નવરાત્રિના લગભગ ત્રણ મહિના અગાઉથી કલાકારો રિહર્સલમાં જોડાય છે. ચાલુ
વર્ષે `રાષ્ટ્ર ગર્જના', કોમિક નાટક `લોચા લાપસી' અને લગ્ન તેમજ નાના બાળકોને પણ રંગમંચ મળે તે
હેતુથી `ઘર એક મંદિર' સહિતનાં નાટકો રજૂ થવાનાં છે. હવે આ નાટકો માટે
પડદો ઊંચકાવાની ઘડીઓ ગણાઈ રહી છે. નાટકોમાં પાંચ વર્ષના નાના બાળકો ઉપરાંત 75 વર્ષ સુધીના વડીલો પણ ઉત્સાહભેર
ભાગ લે છે. સ્ત્રીપાત્ર હોય કે કોમેડી પાત્ર, ટ્રેજડી પાત્ર હોય કે ઐતિહાસિક પાત્ર - દરેક કલાકાર પોતાનાં પાત્રને આબેહૂબ
રીતે રજૂ કરવા માટે મહેનત કરે છે અને પાત્ર ભજવવામાં કોઈ કચાસ ન રહે તેની તકેદારી રાખવામાં
આવે છે. - પાત્રનાં
પરફોર્મન્સ : નાટકોના હાલના ડાયરેક્ટર પચાણભાઈ કાનાણીએ
જણાવ્યું કે નાટકોની લગભગ તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. છેલ્લા બે મહિનાથી નિયમિત રીતે
રિહર્સલ ચાલી રહ્યું છે. ધર્મશાળામાં મ્યુઝિક, ગીત કેવી રીતે રજૂ કરવું, સંવાદની રજૂઆત તેમજ કલાકારે
પોતાનાં પાત્રનું પરફોર્મન્સ કેવી રીતે કરવું તે અંગે સતત મહાવરો કરાવવામાં આવી રહ્યો
છે. હાલ નાટકોને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે અને વસ્ત્રોની તૈયારીઓ પણ ચાલી રહી છે.
આ સમગ્ર આયોજનમાં નવરાત્રિ મિત્ર મંડળના 100થી વધુ સભ્ય સીધી કે આડકતરી રીતે જોડાયેલા છે. અગાઉ રંગમંચ પર
પાત્રો ભજવી ચૂકેલા કલાકારો પણ નવી પેઢીના કલાકારોને પ્રેરણા અને માર્ગદર્શન આપી રહ્યા
છે. - દિવંગતની યાદ : કાઠડાના આવડ ચોકના આ રંગમંચે વર્ષોથી અનેક કલાકારોને પોતાની
કળા રજૂ કરવાની તક આપી છે. સ્વ બાબુભાઈ કરમશી કારિયા, સ્વ. પુનશીરામ ભુવા, સ્વ.
દેવાંગબાપા કાનાણી, સ્વ. બાબુ કાકુ મુંધૂડા, સ્વ. વીરેન્દ્રભાઈ કાનાણી, સ્વ. રાજેન્દ્રભાઈ કાનાણી,
સ્વ. ખેતશીભાઈ, સ્વ. કેશવ કાકુ, ભચિયો બાપા, સ્વ. લાખુ ભીલ, સ્વ.
જીવણ પાસ્તા સહિત અનેક કલાકારોએ આ રંગમંચને ગજાવ્યો છે. તેમના યોગદાનને આજે પણ યાદ
કરવામાં આવે છે. ગોપાલ પટેલ, પુનશી પાસ્તા, રતનભાઇ કાનાણી, પુંજાભાઈ સાખરા, લાખુભાઇ ખાપરા, મેઘરાજ પબુ, દેવાંગભાઈ
વિજાણી, રામ મેઘરાજ, હરજીભાઈ પાસ્તા,
મૂળજી કાનાણી, મુરુભાઈ વિજાણી, આશાભાઈ વિજાણી, અરજણભાઈ લાખાણી, ગોપાલ પાસ્તા, ગાવિંદ વાલજી,સહિત
અનેક કલાકારો આ પરંપરાના પ્રેરણારૂપ રહ્યા છે. `આવડ ચોક માત્ર નવરાત્રિનું સ્થળ નથી, પરંતુ અમારું હૃદય છે. તેવું આયોજકોએ જણાવ્યું
હતું.