ગાંધીધામ, તા. 9 : રૂા.2.11 કરોડના ચેક રિર્ટનના કેસમાં
ગાંધીધામની અદાલતે બે આરોપીને કેદની સજા ફટકારી ફરિયાદીને બમણી રકમનું વળતર આપવાનો ધાક બેસાડતો ચુકાદો આપ્યો હતો. આ કેસમાં કોર્ટે
સુરતના આરોપી પાર્થ કાનજીભાઈ ભાડજા અને નવસારીના નાગજીભાઈ નાથુભાઈ ભાડજાને દોષિત ઠેરવી
એક વર્ષની સાદી કેદની સજા ફટકારી છે. આ ઉપરાંત બંને આરોપી ઉપર સંયુક્ત રીતે રૂ. 4.22 કરોડનો દંડ ફટકારી, દંડની રકમ ફરિયાદીને વળતર તરીકે ચૂકવવાનો આદેશ
કર્યો છે. આ કેસની પૂર્વ વિગતો મુજબ, ફરિયાદી ભવનેશ દિનુભાઈ પંડયા
અને અન્ય ભાગીદારો વચ્ચેના વ્યવસાયિક વ્યવહારો તથા નાણાકીય લેણાંના મામલે રૂા. 2.11 કરોડની રકમ ચૂકવવાની બાકી હતી.
આ રકમના ચુકવણા માટે આપવામાં આવેલો ચેક બેંકમાં રજૂ કરતાં ખાતામાં પૂરતું ભંડોળ ન હોવાના
કારણે પરત ફર્યો હતો. ત્યારબાદ કાયદેસરની નોટિસ આપવા છતાં રકમની ચુકવણી ન થતાં ફરિયાદી
દ્વારા નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટ, 1881ની કલમ 138 હેઠળ અદાલતમાં ફરિયાદ દાખલ
કરવામાં આવી હતી. કેસની સુનાવણી દરમિયાન રજૂ થયેલા પુરાવા, દસ્તાવેજો અને કાયદાકીય દલીલોને ધ્યાનમાં લીધા
બાદ અદાલતે બંને આરોપીને દોષિત ઠેરવ્યા હતા. ચુકાદા મુજબ દંડની રકમ ભરવામાં નિષ્ફળતા
રહે, તો વધારાની છ મહિનાની સાદી કેદની સજાની પણ જોગવાઈ કરવામાં
આવી છે. આ કેસમાં ફરિયાદી પક્ષ તરફથી સિંઘલ એસોસીએટ વતી એડવોકેટ આર. કે. સિંઘલ અને
તેમની ટીમના એડવોકેટ આનન સિંઘલ,અશોક ચાવડા, ચંદા બી. નનકાની, વિશ્વા પટેલ,પાર્વતી
દનિચા તથા અંકિતા સોનીએ હાજર રહી દલીલો કરી હતી.ચેક બાઉન્સના આવા કેસોમાં કાયદેસરની
પ્રક્રિયા અને નાણાકીય જવાબદારીનું મહત્ત્વ આ ચુકાદાથી ફરી એકવાર ઉજાગર થયું છે.