ભુજ, તા. 9 : જિલ્લાના અતિસંવેદનશીલ અને
સરહદી પંથક એવા ખાવડા આસપાસના વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ખાનગી કંપનીઓ અને રિન્યૂએબલ
એનર્જી પાર્કના પ્રોજેક્ટસ ધમધમી રહ્યા છે. આ વિકાસકાર્યો સાથે દેશના ખૂણે-ખૂણેથી આવેલા
સેંકડો પરપ્રાંતીય શ્રમિકો અહીં આવીને વસ્યા છે. દિવસ-રાત તનતોડ પરિશ્રમ કરતા આ મજૂરોને
થાક ઉતારવાના બહાને દેશી, અંગ્રેજી દારૂ
પીરસવામાં આવતો હોવાની ગંભીર વકી ઊભી થઇ છે.
ગુજરાતમાં ચોપડે કડક દારૂબંધી હોવા છતાં ખાવડા વિસ્તારમાં દારૂના ખુલ્લા વેચાણના અનેક
વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ચૂક્યા છે. આમ છતાં સ્થાનિક સ્તરે કોઇ નક્કર અને
કાયમી કાર્યવાહી ન થતાં બુટલેગરો, અસામાજિક તત્ત્વોને મોકળું
મેદાન મળી ગયું હોવાના સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે. નશાની આ દૂષિત બદીના કારણે અનેક
શ્રમિકો પોતાની મહેનતની કમાણી દારૂ પાછળ ઉડાડી રહ્યા છે જેના પરિણામે અનેક ગરીબ પરિવારો
પાયમાલ થઇ રહ્યા છે. માત્ર શ્રમિકો જ નહીં, પરંતુ આ પંથકના સ્થાનિક
યુવાનો પણ આ નશાની ચુંગાલમાં ફસાઇ રહ્યા હોવાની ભીતિ સેવાઇ રહી છે ત્યારે સૌથી મોટો
અને ગંભીર મુદ્દો માર્ગ સલામતીનો ઊભો થયો છે. ખાવડા તરફ જતા મુખ્ય માર્ગો પર ભારે વાહનો
અને ડમ્પરોની સતત અવરજવર રહે છે. રાત્રિના સમયે દારૂ, કેફી દ્રવ્યોના
નશામાં ધૂત થઇને વાહનો હંકારતા ચાલકો નાના વાહનચાલકો, બાઇકચાલકો,
રાહદારીઓ માટે જીવંત કાળ સાબિત થઇ રહ્યા છે. નશામાં બેફામ દોડતાં આ વાહનોને
કારણે સમયાંતરે નાના-મોટા અકસ્માતો સર્જાય છે જેનાથી નિર્દોષ લોકોના જીવ જોખમમાં મુકાય
છે. દેશની સરહદને અડીને આવેલા આટલા મહત્ત્વના તથા સંવેદનશીલ વિસ્તારમાં અસામાજિક તત્ત્વોનો
આવો ખુલ્લો દોર સુરક્ષા વ્યવસ્થા સામે પણ મોટો સવાલ ઊભો કરે છે. આ નેટવર્કને સદંતર
ડામી દેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં હજુ વધુ મોટો અકસ્માત કે મોટી જાનહાનિ સર્જાવાની
ભીતિ સ્થાનિક લોકોએ વ્યક્ત કરી હતી.