ભુજ, તા. 9 : જાપાનના ઓસાકા અને કોબે ખાતે
આયોજિત 15મા `કોબે ઇન્ડિયા મેળા'માં ભારતની પ્રતિષ્ઠિત કળાઓને વૈશ્વિક મંચ મળવા જઈ રહ્યો છે. આ વર્ષના મેળાનું
વિશેષ આકર્ષણ ભારતીય હસ્તકલાના રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા કારીગરો દ્વારા થનારું લાઈવ
ડેમોસ્ટ્રેશન છે. આ આયોજન ઓસાકા-કોબે સ્થિત ભારતના વાણિજ્ય દૂતાવાસ, વિકાસ આયુક્ત (હસ્તકલા) કાર્યાલય, વસ્ત્ર મંત્રાલય (ભારત
સરકાર) અને હસ્તકલા નિકાસ સંવર્ધન પરિષદના સંયુક્ત પ્રયાસોથી થઈ રહ્યું છે,
જે ભારત-જાપાન મિત્રતા અને સાંસ્કૃતિક આદાન પ્રદાનને વધુ મજબૂત બનાવશે.
ભુજના ખત્રી ઇબ્રાહિમ ઇશા (રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા- 2007) ગુજરાતના કચ્છની વૈશ્વિક ખ્યાતિપ્રાપ્ત 'કચ્છ અજરખ' બ્લોક પ્રિન્ટિંગ
કળાનાં જીવંત પ્રદર્શનોથી જાપાનના લોકો મંત્રમુગ્ધ થશે. કુદરતી રંગો (જેવા કે અલીઝરીન,
ઇન્ડિગો અને આયર્ન રસ્ટ/કાટ) અને વનસ્પતિજન્ય પદ્ધતિઓથી થતી આ હેન્ડ
બ્લોક પ્રિન્ટિંગ કળા એવી અદ્ભુત છે કે, જેમાં કાપડની બંને બાજુ
એકસરખી પ્રિન્ટ ઉપસી આવે છે. તેમની સાથે જમ્મુ
અને કાશ્મીર ના 2024માં નેશનલ
એવોર્ડ વિજેતા ખ્વાજા નાઝિર અલી વિશ્વની સૌથી જટિલ અને આકર્ષક હાથની કઢાઈ ગણાતી કાશ્મીરી
`સોઝની શાલ'નું કૌશલ્ય પ્રદર્શિત કરશે. ભારત સરકારનાં વસ્ત્ર
મંત્રાલય હેઠળ કાર્યરત વિકાસ આયુક્ત (હસ્તકલા) કાર્યાલય અને ઈપીસીએચ ગ્રામીણ અને અર્ધ-શહેરી
વિસ્તારોના લાખો કારીગર અને શિલ્પીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થયા છે. આ સંસ્થાઓ કારીગરોને
ટેકનિકલ અને નાણાકીય સહાય પૂરી પાડીને તેમને આત્મનિર્ભર બનાવી રહી છે.