ગાંધીધામ, તા. 9 : ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા
લાખોની કિંમતનો વેરો ભરપાઈ કરવામાં ન આવતાં
મિલકતને સીલ કરવામાં આવી છે. વારંવાર નોટિસ આપ્યા પછી પણ બાકીદાર દ્વારા વેરો ભરવાની
તસ્દી લેવામાં ન આવતાં ટેક્સ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. આગામી દિવસોમાં
પણ મોટા બાકીદારો સામે મિલકત જપ્તી સહિતની કાર્યવાહી કરવામાં આવે તેવી પણ સંભાવના છે.
ગાંધીધામ આદિપુર જોડિયા શહેરોમાં 50 કરોડના માગણા સામે અત્યાર સુધીમાં લગભગ 16 કરોડના વેરાની વસૂલાત કરવામાં
આવી છે અને 62 હજાર મિલકતધારક પૈકી 34,270 કરદાતાએ વેરો ભરપાઈ કર્યો હોવાનું સામે આવી રહ્યું છે. લગભગ
27 હજારથી વધુ મિલકતધારક પાસેથી
વેરાની વસૂલાત કરવાની બાકી છે તે પૈકીના 50000 અને એક લાખથી વધુનો જેનો ટેક્સ બાકી હોય તેમનું લિસ્ટ તૈયાર
કરવામાં આવ્યું છે. વેરો ભરપાઈ કરવા માટેની નોટિસો પણ આપવામાં આવી છે, જે કરદાતાઓ દ્વારા વેરો ભરપાઈ કરવામાં નહીં
આવે, તો તેમની મિલકત જપ્તી સહિતની કાર્યવાહી કરવામાં આવશે. શુક્રવારે
પણ ગાંધીધામના વોર્ડ 9/બી એ વિસ્તારમાં
બાકીદારે 15.26 લાખનો ટેક્સ ભરપાઈ ન કરતાં
તેમની મિલકતને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. મહાનગરપાલિકાની તિજોરી તળિયાંઝાટક
છે અને આવશ્યક સેવાઓની જાળવણી અને નિભાવણી કરતા કોન્ટ્રાક્ટરો તેમજ એજન્સીઓને સમયસર
રૂપિયાનું ચુકવણું કરવામાં આવતું નથી, જેના કારણે એજન્સીઓના કામદારો હડતાળ કરે તેવી સ્થિતિ ઊભી થઈ છે. જો કે,
આ વાતથી વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે અને તિજોરીમાં આવક કેવી રીતે
થાય તે સહિતનાં પગલાં ભરવા વિચારાધીન થયું છે. માત્ર વેરા વસૂલાત ઉપર જ વહીવટ ચલાવવો
મુશ્કેલ છે અન્ય ઉપાય શોધવા પણ જરૂરી છે. - મિલકત જપ્તી પછી પણ આવક થતી
નથી : લાખો રૂપિયાનો જેનો ટેક્સ બાકી હોય અને
સમય મર્યાદામાં વેરો ભરપાઈ કરતા નથી તેમની મિલકત જપ્તી કરવામાં આવે છે તેમ છતાં તે
મોટા બાકીદારો વેરો ભરપાઈ કરતા નથી. ગત નાણાકીય વર્ષમાં લગભગ 18ની આસપાસ મિલકતોની જપ્તી કરી છે, તે પૈકી એકથી બે બાકીદાર જ વેરો ભરપાઈ કરી રહ્યા
છે. લગભગ 14 મિલકતધારકે
હજુ સુધી ટેક્સ ભરપાઈ કર્યો નથી, હવે મિલકતની
હરાજી કરીને વેરાની વસૂલાત કરવાની કાર્યવાહી થઈ શકતી નથી, તો
મિલકત જપ્તીનો લાભ શું તે સહિતના સવાલો ઊઠી રહ્યા છે. કમિશનર પગલાં ભરે તેવી પણ માંગ
ઊઠી છે. - વ્યાજ માફી
યોજના લાગુ થતી નથી : મહાનગરપાલિકાની સામાન્ય સભામાં સત્તાપક્ષ
અને વિપક્ષે સર્વાનુમતે વર્ષો જૂના બાકીદારોનું વેરા ઉપરનું વ્યાજ માફ કરીને વેરાની
વસૂલાત કરવા માટેની વ્યાજમાંથી યોજનાનો ઠરાવ પસાર કર્યો હતો. લાંબા સમયથી આ વ્યાજમાફી
યોજનાના ઠરાવ ઉપર કમિશનર દ્વારા સહી કરવામાં આવતી નથી, પરિણામે જે વર્ષો જૂનો ટેક્સ બાકી છે,
તેની વસૂલાત પણ થઈ શકતી નથી. વ્યાજ માફી યોજના લાગુ કરવામાં આવે,
તો તિજોરીમાં 22થી 25 કરોડની આવક
થવાની સંભાવના હોવાનું પદાધિકારીઓ કહી રહ્યા છે.