નવી દિલ્હી, તા.9 : ભારતે આજે
અમેરિકાના એ નિર્ણયની આકરી ટીકા કરી છે, જેમાં ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ અને વિપ્રો જેવી વૈશ્વિક અને ભારતીય આઈટી
કંપનીઓ માટેના મહત્ત્વપૂર્ણ ગ્રીન-કાર્ડ પ્રોસાસિંગ પ્રોગ્રામ (પીઈઆરએમ) પર પ્રતિબંધ
મૂકવામાં આવ્યો હતો. ભારતે જણાવ્યું હતું કે આ પગલું બંને દેશોની પરસ્પર મહત્વાકાંક્ષાઓને
આગળ વધારતું નથી. સાથે જ, અમેરિકાના વાઇસ પ્રેસિડેન્ટ જે.ડી.
વેન્સ દ્વારા વિદેશી વ્યાવસાયિકોને બંધુઆ મજદૂર-વેઠિયા તરીકે ઓળખાવવાને પણ ભારતે તદન
`બિનજરૂરી અને અત્યંત અપમાનજનક` ગણાવીને ફગાવી દીધું છે. વિદેશી કામદારોની સંખ્યા ઘટાડવાના વ્યાપક પ્રયાસોના
ભાગરૂપે ટ્રમ્પ વહીવટીતંત્રે આઠ મોટી આઈટી કંપનીઓ માટે પર્મનન્ટ લેબર સર્ટિફિકેશન
(પીઈઆરએમ) પ્રોગ્રામ સ્થગિત કરી દીધો છે અને કેટલીક યુનિવર્સિટીઓની તપાસ શરૂ કરી છે.
ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોમાં ચાલી રહેલા તણાવ વચ્ચે આ નિર્ણય લેવામાં આવ્યો
છે. આ કાર્યવાહીનો સામનો કરી રહેલી કંપનીઓમાં
ઇન્ફોસિસ, ટાટા કન્સલ્ટન્સી સર્વિસેઝ, વિપ્રો, એચસીએલ ટેક્નોલોજીસ, માઈક્રોસોફ્ટ,
એડોબ, કેપજેમિની અને કોગ્નિઝન્ટ સામેલ છે. પીઈઆરએમને
અમેરિકામાં કાયમી નિવાસ અને નાગરિકતા મેળવવાના માર્ગ તરીકે વ્યાપકપણે જોવામાં આવે છે.
અમેરિકાના આ નિર્ણયથી હજારો ભારતીય ટેકનોલોજી વ્યાવસાયિકો પ્રભાવિત થવાની આશંકા છે,
જેઓ એચ-1બી વિઝા પર
પ્રવેશ્યા પછી કાયમી નિવાસ માટે એમ્પ્લોયર-પ્રાયોજિત ગ્રીન કાર્ડ પર આધાર રાખે છે.
પોતાની પ્રતિક્રિયામાં, વિદેશ મંત્રાલયએ
અમેરિકાના આ પગલાંની આલોચના કરતાં જણાવ્યું હતું કે પીઈઆરએમએ એચ-1બી વિઝા પ્રોગ્રામથી તદ્દન અલગ છે. દરમ્યાન, અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે એચ-1બી વિઝા પર અમેરિકામાં કામ કરતા વિદેશી કર્મચારીઓને બંધુઆ ગણાવતા
ભારતે આકરા શબ્દમાં નારાજગી વ્યક્ત કરી હતી. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે વેન્સનું
નિવેદન બિનજરૂરી અને બેહદ અપમાનજનક છે. અમેરિકાની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવામાં પ્રવાસીઓની
ભૂમિકા અત્યંત મહત્ત્વપૂર્ણ રહી છે. ભારતે એમ પણ જણાવ્યું હતું કે ભારતીય વ્યાવસાયિકો
અમેરિકાની અર્થવ્યવસ્થા, નવી ટેકનોલોજી,
સંશોધન અને રોજગારી વધારવામાં મોટું યોગદાન આપે છે. જેનાથી બંને દેશોને
ફાયદો થાય છે. ઉલ્લેખનીય છે કે, અમેરિકામાં એચ-1બી વિઝા મેળવનારાઓમાં 71 ટકા લોકો ભારતીય છે.