નવી દિલ્હી, તા. 9 : મુખ્ય ચૂંટણી
કમિશનર જ્ઞાનેશકુમાર વિરુદ્ધ શનિવારે જંતરમંતર ખાતે આયોજિત કોકરોચ જનતા પાર્ટી અને
અઈંજઅના વિશાળ વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને દિલ્હી વહીવટી તંત્ર અને પોલીસે સમગ્ર
રાષ્ટ્રીય રાજધાનીને અભેદ્ય કિલ્લામાં ફેરવી દીધી છે. દિલ્હી પોલીસે ભારતીય નાગરિક
સુરક્ષા સંહિતાની કલમ 163 હેઠળ જાહેર
મનાઈહુકમનો હવાલો આપીને આ પ્રદર્શન માટે સત્તાવાર પરવાનગી આપવાનો સ્પષ્ટ ઇન્કાર કરી
દીધો છે. નવી દિલ્હીમાં ચાર કિલોમીટરની ત્રિજ્યામાં ઇન્ટરનેટ સેવાઓ સ્થગિત કરવામાં
આવી છે. દિલ્હી મેટ્રોના 57 મેટ્રો સ્ટેશન
બંધ કરવાના નિર્ણય બાદ વિરોધ સ્થળના મોટા ભાગ પર ઇન્ટરનેટ સેવાઓ અસ્થાયીરૂપે સ્થગિત
કરવામાં આવી છે. કનોટ પ્લેસમાં દુકાનો, ઓફિસો, રેસ્ટોરાં અને અન્ય વ્યાપારી મથકો શનિવારે બંધ રહેશે એમ વેપારીઓના સંગઠને જણાવ્યું
હતું. ભીડની હિલચાલ અટકાવવા માટે દિલ્હી-એનસીઆરમાં રેલવે, મેટ્રો,
કેબ, હોટેલ બાકિંગથી માંડીને દારૂના વેચાણ પર અભૂતપૂર્વ
નિયંત્રણો લાદી દેવામાં આવ્યા છે. ગૃહ મંત્રાલયે 8થી 12 ઓક્ટોબર સુધી દિલ્હી પોલીસને સહાય માટે ઈઅઙની 221 કંપનીઓ ફાળવી છે, જેમાં અંદાજે 23,000 જવાનો સામેલ છે. આ સઘન બંદોબસ્ત
માટે સીઆરપીએફની કંપનીઓને જમ્મુ અને કાશ્મીર, પશ્ચિમ બંગાળ અને છત્તીસગઢથી ખાસ દિલ્હી બોલાવવામાં આવી છે. પ્રદર્શન દરમિયાન અટકાયત કરવામાં આવનારા લોકોને
રાખવા માટે વિવિધ જિલ્લાઓમાં અંદાજે 10 ડિટેન્શન સેન્ટરો તૈયાર કરવામાં આવી રહ્યા છે. દિલ્હીના તમામ
એન્ટ્રી પોઈન્ટ્સ પર પોલીસે હાઈ-એલર્ટ જાહેર કરીને તકેદારી વધારી દીધી છે. બહારના રાજ્યોમાંથી
ટોળાંઓને ભેગા કરવાના ઈરાદે પ્રવેશવાનો પ્રયાસ કરનાર શંકાસ્પદ વ્યક્તિઓને સરહદ પર જ
અટકાવીને કસ્ટડીમાં લેવામાં આવશે. અટકાયત કરાયેલા લોકોને જે વિસ્તારોમાં રાખવામાં આવ્યા
છે ત્યાં ભીડ એકઠી ન થાય તે માટે ઇન્ટરનેટ સેવાઓ પર પ્રતિબંધ મુકાઈ શકે છે. સુરક્ષાની
સ્થિતિ મુજબ આ પ્રતિબંધો નવી દિલ્હી અને સેન્ટ્રલ દિલ્હીના કેટલાક ભાગોમાં પણ લંબાવી
શકાય છે. પોલીસે તમામ મીડિયા સંસ્થાઓને વિનંતી
કરી છે કે, પ્રદર્શનનું કવરેજ કરતા
તમામ પત્રકારો અને કેમેરામેન બેરિકેડ્સ અને સંવેદનશીલ સ્થળો પર પોતાનું માન્ય પ્રેસ
આઈડેન્ટિફિકેશન કાર્ડ ફરજિયાતપણે સ્પષ્ટ દેખાય તે રીતે પહેરીને રાખે.