ભુજ, તા. 29 : મૂળ માંડવી ગોધરાના હાલે અમદાવાદ
રહેતા ગોસર પરિવારની કારને મધ્યપ્રદેશના મંદસૌર પાસે અકસ્માત નડતાં યુવાન દીકરી કવિશા
ગોસરનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું જ્યારે પિતા વિપુલની સ્થિતિ ગંભીર
અને ભાઇ મીતને પણ ઇજા પહોંચી છે. આ દુર્ઘટના અંગે સમાચાર માધ્યમો તથા સ્થાનિક માંડવીના
ગોધરા ગામે અરવિંદભાઇ જોશીએ આપેલી વિગતો મુજબ મૂળ ગોધરાના રમણીકલાલ કુંવરજી ગોસરનો
પરિવાર અમદાવાદ રહે છે. રમણીકલાલના પત્ની અને પુત્ર વિપુલના પત્ની અવસાન પામતાં ઘરમાં
ગૃહિણી તરીકેની જવાબદારી યુવાન દીકરી કવિશા પર હતી. કવિશાના દિલ્હીમાં પદવીદાન સમારોહમાં
સામેલ થવા પિતા વિપુલ, ભાઇ મીત અને
કવિશા પોતાની એસ.યુ.વી. કારથી દિલ્હી જવા માટે નીકળ્યા હતા, પરંતુ
આજે સવારે 11.30 વાગ્યાના
અરસામાં મધ્યપ્રદેશના મંદસૌર પાસે ગરોઠ ક્ષેત્રમાં દિલ્હી-મુંબઇ આઠ માર્ગીય એક્સપ્રેસ
હાઇવે પર કાર રેલિંગ સાથે અથડાતાં પલટી ગઇ હતી. આ દુર્ઘટનામાં યુવાન દીકરી કવિશાનું
ઘટનાસ્થળે જ મૃત્યુ થતાં અરેરાટી વ્યાપી છે. આ કારમાં સવાર ઘાયલ મીતે સોશિયલ મીડિયા
સમક્ષ દુર્ઘટના અંગે વિગતો આપતાં જણાવ્યું હતું કે,
ચાલક પિતા વિપુલભાઇને ઝોકું આવી જતાં કાર અનિયંત્રિત થઇ હતી અને અકસ્માત
સર્જાયો હતો. આ દુર્ઘટનામાં ઘાયલ વિપુલભાઇની સ્થિતિ ગંભીર હોવાનું તેમજ મીતને ઓછી-વધુ
ઇજા પહોંચી છે. હજુ ગઇકાલે જ રક્ષાબંધન હતું, ત્યારે પરિવાર સાથેના
ત્યોહારના ફોટો પણ વાયરલ થયા હતા. આ દુર્ઘટનાના સમાચાર સ્થાનિક ગોધરા સુધી પહોંચતાં
ગામમાં પણ અરેરાટી વ્યાપી હતી.