• બુધવાર, 15 જુલાઈ, 2026

ભુજમાં ટ્રેઇલરે ચાર વાહનને અડફેટે લીધાં : સામૂહિક અકસ્માતથી દોડધામ

ભુજ, તા. 14 : ઓવરલોડ ભારેખમ વાહનોની તેજ ગતિ થકી શહેરના આરટીઓ પાસે અગાઉ અનેક અકસ્માત સર્જાયા છે, ત્યારે આજે સવારે ફરી માતેલા સાંઢની જેમ બેફામ રીતે ધસી આવેલાં ટ્રેઇલરે એક કાર અને ત્રણ ટુ-વ્હીલર્સને અડફેટે લેતાં આ સામૂહિક અકસ્માત થકી દોડધામનો માહોલ સર્જાયો હતો. જો કે, સદ્ભાગ્યે જાનહાનિ ટળી હતી, પરંતુ વાહનોને નુકસાન અને ઇજા થયાનું સામે આવ્યું હતું. આ દુર્ઘટના થકી ત્યાં ટ્રાફિકજામ થયો હતો અને ટ્રાફિકજામ વચ્ચે પણ એક ટ્રકે કારને ટક્કર મારી દીધાનીય દુર્ઘટના સર્જાઇ હતી. આરટીઓના આર્મી ગેટથી આગળ પૂરપાટ આવતાં ટ્રેઇલર નં. જી.જે.-12-સીવી-2287એ એક કાર નં. જી.જે.-12-એફડી-5476 અને ત્રણ ટુ-વ્હીલર્સ મોપેડને અડફેટે લેતાં સામૂહિક અકસ્માત સર્જાયો હતો. સદ્ભાગ્યે જાનહાનિ ટળી હતી, પરંતુ એક એક્ટિવાને ભારે નુકસાન થયું હતું. કાર અને બે ટુ-વ્હીલર્સ નુકસાન પામ્યા હતા. એક ટુ-વ્હીલરમાં સવાર માધાપરના દંપતી અમરતલાલ ધનજીભાઇ સોની (60) અને પ્રીતિબેન (53)ને હાથ-પગમાં ઇજા થતાં સારવાર અર્થે જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાયાની વિગતો હોસ્પિટલની પોલીસ ચોકીમાંથી મળી છે. અન્ય ઘાયલોને પણ હોસ્પિટલ લઇ જવાયાનું ઘટના સ્થળેથી જાણવા મળ્યું હતું. અકસ્માતની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને ટ્રેઇલરચાલકને ઝડપી લીધાનું પણ બનાવ સ્થળે લોકોએ જોયું હતું. આ દુર્ઘટનાનાં પગલે સતત ધમધમતા આ માર્ગ પર ટ્રાફિકજામ સર્જાયો હતો. આ ટ્રાફિકજામ દરમ્યાન જ અન્ય એક ભારેખમ વાહને પંચ કારને ટક્કર મારતાં ગાડીને નુકસાન થયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, કચ્છના ઔદ્યોગિક વિકાસના પગલે ભારે વાહનોની અવર-જવરમાં સતત વધારો થઇ રહ્યો છે. ભુજ શહેરના રિંગરોડ પરથી આવાં ભારેખમ વાહનોની આવન-જાવનથી સ્થાનિક વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને અકસ્માતના બનાવો દિવસોદિવસ વધી રહ્યા છે. શેખપીરથી સુખપર બાયપાસને સૈદ્ધાંતિક મંજૂરી મળી છે, પરંતુ હજુ સર્વે અને ટેન્ડર પ્રક્રિયાને લઇને લાંબો સમય નીકળશે તે વચ્ચે આવા માતેલા સાંઢ માટે કોઇ વ્યવસ્થા ગોઠવવા જાગૃતો માંગ કરી રહ્યા છે. 

Panchang

dd