ગાંધીધામ, તા. 21 : અહીંના મેઘપર કુંભારડીની એક
સોસાયટીમાં રહેનાર એક બાંગલાદેશી મહિલાને પોલીસે ઝડપી પાડી તેની પૂછપરછ હાથ ધરી છે.
મેઘપર કુંભારડીના કપિલેશ્વરનગર મકાન નંબર 98-એફમાં રહેનાર મહિલા બાંગલાદેશી હોવાની પૂર્વ બાતમીના આધારે એસ.ઓ.જી.એ
કાર્યવાહી કરી હતી. અહીંથી ફરઝાના અબ્દુલ્લા શેખ નામની મહિલાને ઝડપી લેવાઇ હતી. તેની
પૂછપરછ કરાતાં પોતે અનઅધિકૃત રીતે બાંગલાદેશની સીમા ઓળંગી ભારતમાં પ્રવેશ કર્યો હતો.
આ મહિલા છેલ્લા ત્રણેક વર્ષથી ભારતમાં વસવાટ કરતી હોવાનું બહાર આવ્યું હતું. બાંગલાદેશ-ભારતની
સીમા ઓળંગી અહીં આવનાર આ મહિલા સાથે અન્ય કોણ-કોણ આવ્યું હતું, તેની મદદ કોણે-કોણે કરી હતી ને ક્યાં અને શું
કામ કરતી હતી તે સહિતની આગળની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે,
થોડા સમય પહેલાં પોલીસે ઘૂસણખોરોને ઝડપી પાડવા ખાસ ઝુંબેશ હાથ ધરી હતી
અને પકડાયેલા પૈકી 27ને બાંગલાદેશી ઘોષિત કરાયા હતા તે પૈકી
13 લોકો ભારતના આસામના જ હોવાનું વધુ પૂછપરછ, તપાસમાં બહાર આવ્યું હતું અને તમામ 13 લોકોને જવા દેવાયા હતા, જ્યારે 14ને પોલીસની
દેખરેખ હેઠળ હેડક્વાર્ટર ખાતે રખાયા હોવાનું જાણવા મળ્યું હતું.