ભુજ, તા. 21 : શહેરમાં થોડા સમયથી નાની-નાની
બાબતોને લઇ એકલ-દોકલ વ્યક્તિઓ પર જૂથો દ્વારા હુમલાના બનાવો અને સામસામા જૂથોની થતી આપસી અથડામણોના બનાવોમાં ઉછાળો આવતાં જાગૃતોમાં ચિંતા ફેલાઇ છે. દિવસાદિવસ વધતા
જતા આવા બનાવોને લઇને પોલીસની ધાક રીતસર ઓસરી ગઇ હોય તેવું જાગૃત નાગરિકોને લાગી રહ્યું
છે. ભુજ શહેરના રિંગરોડ તથા આંતરિક માર્ગ પર મનોરંજક રમતગમત જેમ કે બોક્સ ક્રિકેટ, પિકલ બોલ, કેફે અને વિવિધ
નાસ્તા તથા ચા-પાણીની કેબિનોનો ધમધમાટ રાત્રિભર રહે છે. થોડાં વર્ષ પૂર્વે ગુજરાત સરકારે
વેપારની પ્રવૃત્તિઓ 24 કલાક ચાલુ
રહે તેની છૂટછાટો આપી છે. આવી ધંધાકીય પ્રવૃત્તિ સામે કોઇ વાંધો નથી, પરંતુ મોડી રાતે યુવાઓના જૂથો વચ્ચે વારંવાર
સર્જાતી બબાલ પણ વધી રહી છે, જે ચિંતાજનક બાબત છે. દિવસ હોય કે
રાત બે-ચાર લોકો વચ્ચે કોઇ પણ નાની બાબતે માથાકૂટ થાય એટલે એક બીજાના મળતિયાઓને બોલાવી
બે જૂથનાં ટોળાં આમને-સામને આવી આમ નાગરિકોમાં ભયનો માહોલ ખડો કરતા હોય છે. એકાદ માસના
જ આવા બનાવોની યાદી તૈયાર કરીએ તો પણ લાંબી થાય તેમ છે. ઘણા એવા બનાવો હોય છે,
જેમાં અગાઉના ઝઘડાનું મનદુ:ખ હોય તો ક્યારેક બે જૂથ વચ્ચેની આપસી રંજિશ
આવા ઝઘડાની જડ હોય છે. અમુક કિસ્સા પોલીસ ચોપડે ચડે છે, પરંતુ
પોલીસ સુધી ન પહોંચતા બનાવોની સંખ્યા મોટી છે. આવા અસામાજિક અને માથાભારે તત્ત્વોને
પોલીસનો કોઇ પણ જાતનો ભય ન હોય તે રીતે બેફામ બની રહ્યા છે. ક્યારેક આવા બનાવો અત્યંત
હિંસક-જીવલેણ બને તે પહેલાં જ પોલીસ આવા તત્ત્વોને નશિયત પહોંચે તેવાં ધાક બેસાડતાં
પગલાં લે તે જરૂરી છે, જેથી ઢીલી થયેલી પોલીસની પકડ ફરી મજબૂત
બને તેવું જાગૃતો જણાવી રહ્યા છે. ભુજમાં સાંજ પડતાંની સાથે જ લુખ્ખા તત્ત્વો બેફામ
બની જાય છે અને રાત પડે તો જાણે આવા તત્ત્વોનો દિવસ ઊગે તેમ ટોળું બનાવી આડેધડ દ્વિચક્રી
હંકારી ભયનો માહોલ સર્જે છે. ખાસ કરીને સુજ્ઞ નાગરિકો પરિવાર સાથે હરવા-ફરવાના સ્થળે
નિરાંત માણતા હોય તેવા સ્થળો આવા અસામાજિક તત્ત્વો નજરાવી સાયલેન્સરના ઘોંઘાટ,
જોરશોરથી હોર્ન વગાડી, ફુલ સ્પીડમાં વાહનો હંકારી
લોકોના જીવ પર જોખમ સર્જી રહ્યા છે. આવા તત્ત્વોને જો કોઇ જરાસરખું કાંઇ કહે તો તરત
જ સાગરિતોને બોલાવી હુમલો કરવા તૈયાર રહે છે. હવે પોલીસ કડક કાર્યવાહી કરી આવા તત્ત્વોને
કાયદાનો પરચો બતાવે અને શહેરીજનોને ત્રાસથી બચાવે તેવી લાગણી લોકો વ્યક્ત કરી રહ્યા
છે.