ભુજ, તા. 21 : કચ્છમાં દબાણોનું દૂષણ સતત વકરી રહ્યું છે ત્યારે આ દૂષણને ડામવા
માટે વહીવટી તંત્રે કડક વલણ અપનાવી દબાણકારો સામે લાલઆંખ કરી તબાઈ બોલાવવાનું શરૂ કર્યું
છે. કચ્છ જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ પોલીસ વિભાગ, પ્રાંત અધિકારી તથા વિવિધ તાલુકાના મામલતદારો
દ્વારા સંયુક્ત રીતે દબાણ હટાવવાની ઝુંબેશરૂપ કામગીરી હાથ ધરવામાં આવી હતી. કામગીરી
અંતર્ગત નવ તાલુકાઓમાં 30 દબાણો દૂર
કરીને 22,485 ચોરસમીટર સરકારી જમીન દબાણમુક્ત
કરાવવામાં આવી છે, દબાણમુક્ત
થયેલી અંદાજિત કિંમત રૂા. 1,67,62,770 જેટલી થાય છે. તંત્ર દ્વારા દૂર કરાયેલાં દબાણોમાં 11 ધાર્મિક, 17 વાણિજ્યિક
તથા 2 રહેણાક પ્રકારનાં દબાણોનો સમાવેશ થાય છે.
પશ્ચિમ કચ્છ જિલ્લામાં સરહદી રેન્જના વડા ચિરાગ કોરડિયા અને પોલીસ અધીક્ષક વિકાસ સુંડાનાં
માર્ગદર્શનમાં 19174 ચો.મી. જમીનને દબાણમુક્ત કરાવી
હતી. હટાવાયેલા અતિક્રમણમાં ધાર્મિક તેમજ વ્યાવસાયિક દબાણોનો સમાવેશ થાય છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સરકારી જમીન અને જાહેર
મિલકતોનું સંરક્ષણ સુનિશ્ચિત કરવા માટે ગેરકાયદે દબાણો સામેની આવી કડક કાર્યવાહી આગામી
સમયમાં ઝુંબેશરૂપે નિયમિત રીતે જારી રાખવામાં આવશે. - હટાવાયેલાં
દબાણની તાલુકાવાર સ્થિતિ તાલુકો હટાવાયેલાં દબાણ : ભુજ - 15 , અબડાસા- 05 , નખત્રાણા - 03 , ગાંધીધામ - 02, લખપત - 01, મુંદરા - 01, માંડવી - 01 , ભચાઉ - 01 , રાપર- 01