રસિક આહીર દ્વારા : રતનાલ (તા. અંજાર), તા. 18 : ગામ પાસેનો બાયપાસ રોડ અકસ્માતગ્રસ્ત ઝોન બની ગયો છે. રતનાલ-નિંગાળ ચોકડી પર ગઇકાલે સાંજે ઇનોવા કાર સાથે અકસ્માતમાં ગામના 22 વર્ષીય નવયુવાન વિવેક વાઘજીભાઇ છાંગા (ભગવાણી)નું અકસ્માત મૃત્યુ થયું હતું, જ્યારે સાથે રહેલા જયનારણભાઇ છાંગા (ભગલાણી) ઇજાગ્રસ્ત થયા છે. આ માર્ગ પર વધતા જતા અકસ્માતો થકી ગ્રામજનો અને આસપાસના લોકોમાં આક્રોશ વ્યાપ્યો છે. સમગ્ર રતનાલ ગામમાં બાયપાસ અંગે વિગતવાર વાત કરીએ, તો રતનાલ ગામનો બાયપાસ જે અન્ય ગામને જોડતા રસ્તાઓ રતનાલ-ચુબડક રોડ ચોકડી, રતનાલ-નિંગાળ રોડ ચોકડી, રતનાલ-ભાદ્રોઈ રોડ ચોકડી જે બાયપાસને જોડતા હોઇ મહત્ત્વનો માર્ગ છે. ગઈકાલે દિવસ દરમિયાન રતનાલ બાયપાસ પર ત્રણથી ચાર અકસ્માત થયા છે. ગત સાંજે વિવેક વાઘજીભાઈ છાંગા નિંગાળ રોડ પસાર કરતાં તેની ઇનોવા કારને અકસ્માત થતાં શરીરમાં ગંભીર ઇજા પહોંચતાં તેનું મૃત્યુ થતાં પરિજનોમાં ગમગીની છવાઇ હતી. આ ભયાનક અકસ્માત બાદ રતનાલ ગ્રામજનોમાં ભારે આકોશ અને રોષની લાગણી ફેલાઇ હતી. ગ્રામજનોએ જણાવ્યું કે, એક તરફ સરકાર માર્ગ સુરક્ષા અકસ્માતમુક્ત ગુજરાતની વાતો કરે છે અને માર્ગ અકસ્માત રોકવા અંડરબ્રિજ અને ઓવરબ્રિજ બનાવી રહી છે, બાયપાસ બનતો હતો ત્યારે રતનાલ ગ્રામજનો, વિવિધ રાજકીય આગેવાનો, કિસાન સંઘ દ્વારા ત્રણ ચોકડી પર અંડરબ્રિજની માગણીઓ કરવામાં આવી હતી. વિવિધ સ્તરે રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા યોગ્ય પ્રતિસાદ આપવામાં આવ્યો નથી અને સ્થાનિક તંત્ર દ્વારા કોઈ જ ધ્યાન આપવામાં આવ્યું નથી. આ બાયપાસ શરૂ થતાં જ અવારનવાર અકસ્માતો ચાલુ જ રહેતાં આ બાયપાસ અકસ્માતઝોન બન્યો છે. બાયપાસમાં કેટલીક જગ્યાએ અધૂરી ચોકડી છે, રોડ પર સર્વિસ રોડ નથી, રોડ પસાર કરવા માટે મધ્ય ભાગમાં પહોળો હોવો જોઇએ તેની જગ્યા પણ મર્યાદિત છે, આવા રોડ પસાર કરવા સંકુચિત જગ્યાઓ પર કઇ રીતે ટુ વ્હીલરચાલકો કે ફોર વ્હીલરચાલકો પસાર થઇ શકે અને ક્યાંય સ્પીડબ્રેકર નથી, સાઇન બોર્ડ નથી. આ કારણોને લઇ અકસ્માતો વધી રહ્યા છે. ગઈ કાલના અકસ્માત બાદ ગ્રામજનો અને જાણકારોએ કહ્યું કે, કચ્છ બહાર અન્ય જિલ્લાઓમાં જે રીતે નેશનલ હાઇવે પર જે ગામડાઓમાં બાયપાસ પસાર થતો હોય છે, ત્યાં બેરિકેટ લગાવેલા હોય છે, જેના પગલે વાહનની ગતિ ધીમી થઈ જાય છે અને અકસ્માત ઘટાડી શકાય છે. હાલ ઘડી કામચલાઉ બેરિકેટ લગાડવા જોઈએ અને કાયમી ધોરણે અંડરબ્રિજ બનાવવા જોઈએ. આવા જુવાનજોધનાં નિધન બાદ ગ્રામજનો અને રતનાલ ગામને સાંકળતા ગ્રામજનો દ્વારા એકસૂરે આક્રોશભરી વેદના સાથે કહ્યું કે, ગામમાં બાયપાસની ત્રણ ચોકડી પર અંડરબ્રિજ બનવા જોઈએ. કુકમા બાયપાસ પર ઓવરબ્રિજ બન્યા, વેલસ્પન કંપની, લાખોંદ ચોકડી પાસે ઓવરબ્રિજ બન્યા, તો રતનાલ ગામમાં કેમ ઓવરબ્રિજ બન્યા નહીં. આ બાબતે ગ્રામજનોએ સોશિયલ મીડિયામાં પણ ભારે બળાપો ઠાલવ્યો હતો. દિવસ દરમિયાન થયેલા ઘટનાક્રમ બાદ નેશનલ હાઇવે ઓથોરિટી અને સ્થાનિક નેતાગીરી હરકતમાં આવી અને રતનાલ બાયપાસની ત્રણ ચોકડીની મુલાકાત લીધી અને ચોકડીના ક્રોસિંગના પ્રશ્નો હલ કરવાની ખાતરી આપી. આ બાદ ગ્રામજનો એ જણાવ્યું કે, આ બાબતે નેશનલ હાઇવે તંત્ર દ્વારા ટૂંક સમયમાં બ્રિજનું નિર્માણકાર્ય કરવામાં નહીં આવે તો ગ્રામજનો બાયપાસ રસ્તો ચક્કાજામ કરશે અને રસ્તા બંધ કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.