ભુજ, તા. 15 : 12 વર્ષની બાળા સાથે જાતીય સતામણી
સાથે ગંભીર અડપલાંના દોઢ વર્ષ પૂર્વેના કેસમાં આરોપી મૂળ મધ્યપ્રદેશના અને મોટી ભુજપુર
રહેતા રાહુલ ઉર્ફે કલ્લુ ગોરધન હાડા (ક્ષત્રિય ખારોલ)ને ખાસ અદાલતે તકસીરવાન ઠેરવ્યો
હતો અને 10 વર્ષની સખત કેદ તથા દંડ ફટકારતો
ચુકાદો આપ્યો હતો. પોક્સો ધારોના કેસો માટેની ખાસ અદાલતે 10 દસ્તાવેજી પુરાવા તથા 12 સાક્ષી તપાસીને આરોપીને પોક્સો
એક્ટની કલમ 8 મુજબ ગુનેગાર ઠેરવ્યો હતો અને 5 વર્ષની સખત કેદ તેમજ રૂા. 5,000નો દંડ ફટકાર્યો હતો. તો પોક્સો એક્ટની કલમ 12 મુજબ 3 વર્ષ તથા રૂા. 3,000નો દંડ અને પ (એમ), 6 તથા 18 મુજબ 3 વર્ષની
સખત કેદ અને રૂા. 50,000નો દંડ
ફટકારતો આદેશ કર્યો હતો. ડિસેમ્બર-2024ના મુંદરા પોલીસ મથકમાં નોંધાયેલા આ કેસની પૂર્વ વિગતો મુજબ,
ભોગગ્રસ્તના માતા-પિતા મજૂરી અર્થે સવારના ઘરેથી નીકળી ગયા હતા. દરમિયાન, ફરિયાદીની
બાજુમાં રહેતા આરોપી રાહુલ બપોરના અરસામાં ફરિયાદીના ઘરે ટીવી જોવાના બહાને આવ્યો હતો.
ત્યારબાદ તેણે સગીરા સાથે શારીરિક અડપલાં કર્યા હતા અને બીભત્સ માગણી કરી હતી.આ કેસમાં
અદાલતે ભોગ બનનારી સગીરાને રૂા. 2,00,000નું વળતર ચૂકવવા માટે ડીએલએસએને ભલામણ કરતો હુકમ કર્યો હતો અને આરોપી દ્વારા ભરવામાં
આવે તે પીડિતાને ચૂકવવામાં આવે તેવો ચુકાદો આપ્યો હતો. સાથે જ સીડબ્લ્યુસી તથા ડીસીપીયુને
આદેશ કર્યો હતો કે, ભોગગ્રસ્ત બાળાનો સંપર્ક કરી તેના જીવન તથા શિક્ષણ સારી રીતે પુન:
સ્થાપિત થાય તેની કાળજી લઈ યોગ્ય માર્ગદર્શન પૂરું પડાય. આ કેસમાં સરકાર તરફે જિલ્લાના
સરકારી વકીલ એચ. બી. જાડેજા હાજર રહ્યા હતા.