• શનિવાર, 16 મે, 2026

વાગડમાં રણ માર્ગે વિદેશી દારૂ ઠાલવવાના કારસાને રાપર પોલીસે નિષ્ફળ બનાવ્યો

ગાંધીધામ, તા. 15 : પૂર્વ કચ્છમાં જુદા-જુદા વિસ્તારમાં દારૂની બદીએ માથું ઊંચક્યું હોવાની ફરિયાદો વચ્ચે રાપર પોલીસે રણ માર્ગે  કચ્છમાં દારૂનો જથ્થો લાવવાનો કારસાને નિષ્ફળ બનાવ્યો હતો. પોલીસે રાપર તાલુકાના ફતેહગઢ-નર્મદા કેનાલ  પાસે ગાડીમાંથી રૂા. 5,16,660ના શરાબનો જથ્થો ઝડપી પાડયો હતો. આ કાર્યવાહીમાં ગુનામાં સામેલ આરોપી પોલીસને હાથતાળી આપવામાં સફળ રહ્યો હતો. મઢુત્રા રણમાંથી  દારૂ ભરેલી ગાડી ફતેહગઢ-નર્મદા કેનાલથી આવવાની હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે ગઈકાલે રાત્રિના ત્રણ વાગ્યાના અરસામાં વોચ ગોઠવી હતી. દરમ્યાન પોલીસે  ફોર્ચ્યુનર ગાડી નં જીજે-08-સીએમ-1801ને  રોકાવવાનો પ્રયાસ કર્યો હતો. અલબત્ત, ચાલકે ગાડી ઊભી રાખવાની જગ્યાએ પૂરઝડપે પાછળની તરફ દોડાવી હતી. આ ગાડીને કેનાલના લોખંડના પાઈપ સાથે અથડાવીને અંધારાનો લાભ લઈને ચાલક રફુચક્કર થઈ ગયો હતો.પોલીસે આ વાહનની  છાનબીન કરી તેમાંથી ભારતીય બનાવટની જુદી-જુદી બ્રાન્ડની વિદેશી દારૂ તથા બિયર સહિત  કુલ 3684 બોટલ હસ્તગત લીધી હતી. આ કાર્યવાહીમાં રૂા. 10 હજારનો  મોબાઈલ ફોન તથા  આઠ લાખની ગાડી સાથે કુલ રૂા. 13,26,660નો મુદ્દામાલ કબજે લેવાયો હતો. આ પ્રકરણમાં દારૂનો જથ્થો મોકલનાર તરીકે સદારામ મેવારામ (રહે. બાડમેર, રાજસ્થાન)નું નામ ખુલ્યું હતું.  આ ગુનામાં સામેલ આરોપીઓને પકડી  પાડવા સહિતની દિશામાં પોલીસે વધુ તપાસ આરંભી છે. 

Panchang

dd