• શનિવાર, 16 મે, 2026

ડ્રગ્સ માફિયાઓ માટે `પોર્ટ' પહેલી પસંદગી કેમ ?

ભાર્ગવ પરીખ દ્વારા : અમદાવાદ, તા. 15 : કચ્છના મુંદરા પાસેના પોર્ટ પર ઊતરીને સી.એફ.એસ. વિસ્તાર એન.સી.બી.ની તપાસ કાર્યવાહી દરમિયાન મળેલા ડ્રગ્સ પછી આજે વિવિધ એજન્સીઓની તપાસે જોર પકડયું હતું. વિદેશમાં બેઠેલા ડ્રગ્સ માફિયાઓની ગુજરાતમાંથી ડ્રગ્સ `ખોખા' કંપની બનાવી એક વેપારીની જેમ ગુજરાતથી માત્ર પંજાબ જ નહીં, વિદેશ મોકલવાનું મોટું ષડયંત્ર બહાર આવ્યું છે, હવે વિવિધ સુરક્ષા એજન્સીઓ દ્વારા આ ડ્રગ્સ ક્યાંથી આવે છે, એનું મૂળ - ઓરિજિન શોધવાની શરૂ થઇ છે, જેથી `ખોખા' કંપનીનાં નામે આવતું ડ્રગ્સ અટકાવી શકાય. ગુજરાત નાર્કોટિક્સ ડિપાર્ટમેન્ટના એક ઉચ્ચ અધિકારીએ આ કેસની તપાસ ચાલુ હોવાથી પોતાનું નામ જાહેર નહીં કરવાની શરતે ડ્રગ્સ માફિયાઓના આ કાળા કરતૂતની વાત કરતાં કહ્યું કે, થોડાં વર્ષો પહેલાં આંધ્રપ્રદેશની આવી જ એક `ખોખા' કંપનીએ ઈમ્પોર્ટ- એક્સપોર્ટના ધંધાનાં નામે કરોડો રૂપિયાનું ડ્રગ્સ `ડાયરેક્ટર ઓફ રેવેન્યૂ ડિપાર્ટમેન્ટે' પકડયું હતું, ત્યારબાદ અમે થોડા સમયમાં કરોડો રૂપિયાનું ઈમ્પોર્ટ-એક્સપોર્ટ કરતી કંપનીઓ પર નજર રાખી તો ચાર વર્ષમાં અમને જોવા મળ્યું કે, `ખોખા' કંપની બનાવી ઇન્ડસ્ટ્રિયલ સામાન ઈમ્પોર્ટ કરવાના બહાને સેમીપ્રોસેસ ટેલ્કમ પાઉડરનાં નામે આવતા કન્ટેનર, એ પછી કાપડ ઉદ્યોગમાં વપરાતા દોરા પર ડ્રગ્સ ચઢાવી મોકલવામાં આવ્યા હતા, તો જીપ્સમ પાઉડરની આયાતના બહાને `ખોખા' કંપનીનાં નામે ડ્રગ્સ લાવતું હતું અને અમે સુરક્ષા એજન્સી સાથે મળીને આવી કંપનીઓની તપાસ કરી તો કરોડો અને અબજોનું ઈમ્પોર્ટ કરતી આ `ખોખા' કંપનીઓ એક નાનકડા રૂમ અથવા એક રૂમના ફ્લેટમાંથી ચાલતી હતી. અમે એ પછી થોડા વૈજ્ઞાનિક ઢબે તપાસ કરવાનું શરૂ કર્યું. અમે ફોરેન્સિક ડિપાર્ટમેન્ટની મદદ લીધી, જેમાં ડ્રગ્સ કઈ ધરતી પર ઉગ્યું છે એ ખબર પડે એટલે કે, અફઘાનિસ્તાનનું છે, મ્યાંમાર અને થાઈલેન્ડનું હોવાનું જાણવા મળ્યું. આ દેશમાંથી કઈ કંપની ભારતમાં દરિયાઈ માર્ગે કન્ટેનરથી જીપ્સમ, ટેલ્કમ પાઉડર અને યાર્ન મોકલે છે એની તપાસ કરી એમાં મોટાભાગની `ખોખા' કંપનીને હસન હુસૈન નામની કંપની ઇન્ડસ્ટ્રીયલ સામાન મોકલતી હતી, જે કંપની માલ મગાવતી હતી એ જીએસટી ઈમ્પોર્ટ ડયૂટી અને બીજા ટેક્સ સમયસર ભરતી હતી, પણ એક વર્ષમાં મોટા ટેક્સ ભરનારી કંપનીઓને ક્રૂટિનાઇટ્સ કરવાનું શરૂ કર્યું, તો એક કંપનીનો ગ્રોથ મોટો દેખાયો, એ કંપનીએ ગરમ કપડાં માટેનું યાર્ન મગાવ્યું હતું, આ સિઝનમાં ગરમ કપડાંનું ઉત્પાદન થતું નથી એટલે અમે એ કંપનીની તપાસ કરી તો એ `ખોખા' કંપની હતી. એનું કન્સાઈન્મેન્ટ મુંદરા નજીક પોર્ટ પર આવવાનું હતું એ પહેલાં અમારી ટીમ ત્યાં પહોંચી ગઈ હતી અને કન્ટેનર જપ્ત કર્યું, તો એમાંથી અમને ડ્રગ્સ મળી આવ્યું છે. - ક્યા દેશનું ડ્રગ્સ એની તપાસ ચાલુ : એનસીબી : અમદાવાદ નાર્કોટિક્સ બ્યૂરોના તપાસનીશ અધિકારી કૃણાલ પરીખે જન્મભૂમિ સાથેની વાતચીતમાં કહ્યું કે, નાર્કોટિક્સ બ્યૂરોએ મુંદરામાં રેડ પાડી છે, એમાં 140 કિલો ડ્રગ્સ મળ્યું છે, પણ અત્યારે એની એફએસએલમાં તપાસ ચાલુ છે, એનું ક્યા દેશમાં ઉત્પાદન થયું છે, ઓરિજિન શોધવાનું છે, અમારી સાથે બીજી સુરક્ષા એજન્સીઓ જોડાયેલી છે, એના મૂળ સુધી પહોંચી રહ્યા હોવાથી કેટલીક માહિતી હાલના તબક્કે જાહેર કરી શકાય એન નથી, પણ ટૂંક સમયમાં ડ્રગ્સ માફિયાઓની નવી મોડેસ ઓપરેન્ડી જાહેર કરીશું. 

Panchang

dd