મુન્દ્રા, તા. 18 : ઔદ્યોગિક રીતે ઝડપી વધતા મુન્દ્રામાં શાંતિ હણતા બનાવોનું પ્રમાણ વધતું જાય છે. થોડા સમય પહેલાં જ શિરાચામાં લેબર કોલોનીમાં પોલીસ અને શ્રમિકો વચ્ચે ગંભીર ઘર્ષણ થયાના બે બનાવો બાદ બુધવારે સવારે પણ આવી એક ઘટના બહાર આવી છે. ટુંડા ગામ નજીક આવેલી ટાટા ગ્રુપની પાવર કંપનીના ગેટ નજીક રોષે ભરાયેલા શ્રમિકોએ ગેટને બંધ કરી નાખ્યો હતો. જોકે, લગભગ અઢીથી ત્રણ કલાક ચાલેલા તનાવ પછી બપોરે મોડેથી પૂરતી ખાતરીઓ બાદ સમાધાન થઈ ચૂક્યું હોવાનું જાણવા મળે છે. જોકે, આ બાબતે કંપની કે સત્તાવાળા દ્વારા કોઈ નિવેદન બહાર પડાયું નહોતું. સવારે મળતી વિગતો મુજબ, આજની ઘટનાનો મુદ્દો યુદ્ધ વચ્ચેની રાંધણ ગેસની દેશવ્યાપી સમસ્યાથી સંકળાયેલો હતો. દાવા મુજબ, શ્રમિકોને ગેસ ન મળતાં તેઓએ રસોઈ માટે ઉદ્યોગોમાં રહેલા નકામાં લાકડાંનો બળતણ સ્વરૂપે વાપરવાની કોશિશ કરી અને સુરક્ષા ગાર્ડોએ ના પાડતાં આ મામલો બીચક્યો હતો અને શ્રમિકો રોષે ભરાયા હતા. આ સાથે એવી પણ વાતો બહાર આવી હતી કે, આ ઘર્ષણ સાથે શ્રમિકો પાસે આઠ કલાકને બદલે 10 કલાકનું કામ કરાવાય છે અને પગાર પણ વધારો નથી થતો એ મુદ્દેય આક્રોશ ઉભો થયો હતો. એક તબક્કે સૂત્રોચ્ચાર ઉગ્ર બન્યો હતો અને મોટી સંખ્યામાં શ્રમજીવીઓ એકત્રીત થઈ જતાં આ સંઘર્ષ વધુ ઉગ્ર રૂપ ધારણ કરશે એવી પરિસ્થિતિ સર્જાઇ હતી. જોકે પોલીસ તંત્ર સમયસર પહોંચી ગયું હતું અને કંપની કે કોન્ટ્રાક્ટરના અધિકારીઓએ પણ શ્રમિક વર્ગ સાથે વાતચીત કરતાં મામલો થાળે પડ્યો હતો. બપોર પછી પરિસ્થિતિ શાંત અને પૂર્વવત થઈ ચૂકી હતી. જોકે, આ સંબંધે સંબંધીત કંપની તરફથી નિવેદન કે પ્રતિભાવો આપવામાં આવ્યો નહોતો. નોંધનીય છે કે, મુન્દ્રા તાલુકા સહિત કચ્છમાં આવેલી ખાનગી કંપનીઓ તેમના શ્રમિકોને સીધી કામ પર નથી રાખતી. પરંતુ, લેબર કોન્ટ્રેક્ટ આપે છે અને લેબર કોન્ટ્રાક્ટરો દ્વારા સરકારી નિયમો અનુસાર કેટલી લાઈટ, પાણી, રહેવા જેવી સુવિધાઓ આપવામાં આવે છે તે સામે પણ અવારનવાર પ્રશ્ન ઉઠે છે. મોટેભાગે આ શ્રમિકો રાજ્ય બહારથી આવે છે અને બહુ જ સાંકડી જગ્યામાં હજારો શ્રમજીવીઓ રહે છે. જેથી ઘર્ષણ વારંવાર ઊભું થવાની સંભાવનાઓ રહેલી છે. જિલ્લા સ્તરેથી ઉચ્ચ અધિકારીઓ,શ્રમ વિભાગ વિગેરે આવી ખાસ કરીને મુન્દ્રા તાલુકામાં આવેલી ઔદ્યોગિક વસાહતો નજીકની વસ્તીમાં નિયમોની તપાસ કરે અને ભવિષ્યમાં આવા ઘર્ષણ ન જન્મે એ માટે પગલાંઓ લેવા જરૂરી બન્યા છે.