મુંદરા, તા. 18 : વિધાનસભા ગૃહ, અમદાવાદની લગભગ સાત જેટલી શાળાઓ સાથે
આજે સવારે મુંદરા પોર્ટ અને તેના એલપીજી ટેન્કરને પણ બોમ્બ ધડાકાથી ઉડાવી દેવાના મળેલા
ઈ-મેઈલથી ચિંતા ઊઠી હતી. આ સમાચાર સાથે પોલીસે
તાત્કાલિક સઘન તપાસ આરંભી હતી. જો કે,
સાંજે મુંદરા પોલીસ સૂત્રોએ કહ્યું હતું કે, તપાસમાં
કંઈ નથી મળ્યું અને હાશકારો થયો હતો. ખાલિસ્તાની ઉગ્રવાદી જૂથના નામે સવારે વિધાનસભાને
ઉડાવી દેવાની મળેલી ધમકીના ઈ-મેઈલ સાથે એવા અહેવાલ પણ વહેતા થયા હતા કે મુંદરા પોર્ટ
અને એ પરના એલપીજી ટેન્કર પર મિસાઈલ અને બોમ્બ ધડાકાથી હુમલા કરાશે. આ ઇ-મેઇલમાં લખાયું
હતું કે, મુંદરા પોર્ટમાં 3.11 વાગ્યે અને 9.11 વાગ્યે એલપીજી ટેન્કરને નષ્ટ
કરાશે. આ ઇ-મેઇલનો ક્રીનશોટ પણ વાયરલ થયો હતો. આ ઇ-મેઈલને પગલે પશ્ચિમ કચ્છ પોલીસ સક્રિય
બની હતી અને પીઆઇ શક્તાસિંહ રાણા, પીએસઆઇ
- અધિકારીઓ સહિતના સ્ટાફે મુંદરા પોર્ટ પર તકેદારીનાં પગલાં રૂપે તપાસ હાથ ધરી હતી.
તંત્રને પ્રાથમિક છાનબીનના અંતે કંઈ સંદિગ્ધ ન લાગતાં હાશકારો થયો હતો. આ લખાય છે ત્યારે પોર્ટની ગતિવિધિઓ કોઈ અડચણ વિના
યથાવત જારી છે. નોંધનીય છે કે, કચ્છમાં વિવિધ સરકારી તંત્ર, મહત્ત્વની ઓફિસોમાં પણ આ
પ્રકારના ઈ-મેઈલ આવી ચૂક્યા છે અને પોલીસ તંત્ર ગંભીરતાથી લઈ દોડતું થયું છે,
સદ્ભાગ્યે આવી ધમકીઓ પોકળ નીવડી છે.